ઠેબા ગામે વાડી વિસ્તારમાં કૃષિ મંત્રીના વેવાઈ પર જીવલેણ હુમલો કરાયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જામનગર જિલ્લા ભાજપ હોદ્દેદારના સબંધીઓ અને કેબિનેટ મંત્રીના વેવાઈ વચ્ચે છેલા એકાદ વર્ષથી ખેતરમાં વરસાદી પાણીના નિકાલ અંગે માથાકૂટ ચાલતી હોય જેમાં બોથડ પદાર્થ વડે હુમલો કરાયો હોવાની પ્રાથમિક વિગત જાહેર થવા પામ્યું છે. બનાવને પગલે ઇજાગ્રસ્તને જીજી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હોવાનું સામે આવ્યું છે.
આ અંગે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર જામનગર શહેરમાં લાલવાડી વિસ્તારમાં રહેતાં ગોરધનભાઈ મનજીભાઈ ભંડેરી (ઉ.વ .50) અને ઠેબા ગામે રહેતા આરોપી વશરામભાઈ રવાભાઈ મુંગરાની જમીન ઠેબા નજીક આવેલ આઈઓસી કંપની બાજુમાં આવેલ છે જે જમીનમાં વરસાદી પાણીના નિકાલ પ્રશ્ને આ બન્ને આશરે એકાદ વર્ષથી મથાકુત ચાલતી હતી. જે અંગે મામલતદાર કચેરીમા અરજી પણ ચાલતી હતી. આ અદાવતનો ખાર રાખી આજે સવારે 11 વાગ્યાના સુમારે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના વેવાઈ ગોરધનભાઈ મનજીભાઈ ભંડેરી નામના પ્રૌઢ ઉપર જામનગર જિલ્લા ભાજપના એક હોદ્દેદારના સંબંધી આરોપી વશરામભાઈ રવાભાઈ મુંગરાએ લાકડી, પથ્થર અને ધારિયા સહિતના બોથડ પદાર્થનો ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો.
જેને પગલે પ્રૌઢને માથાંના ભાગે ગંભીર ઇજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા માઇનોર હેમરેજની અસર વાર્તાતા વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હોવાનું સામે આવ્યું છે.બીજી તરફ આ બનાવના વાવડ વહેતા થતા જીજી હોસ્પિટલ ખાતે સ્થાનિક રાજકીય આગેવાનોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને પંચકોશી એ ડિવિઝન પોલીસે ઈજાગ્રસ્તના નિવેદન લઇ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.