જામનગર : જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના મચ્છુ બેરાજા ગામે ગઈ કાલે બપોરે પોતાની વાડીએ પિતા-પુત્રના ઇલેક્ટ્રિક કંપનીના તૂટેલ જીવંત વીજ તારમાંથી જોરદાર કરંટ લાગતા પિતા પુત્રના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયા છે. આ બનાવના પગલે દલવાડી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
લાલપુર તાલુકા મથકથી ૨૮ કિમી દુર આવેલ મચ્છુ બેરાજા ગામે ત્યારે શોકનું મોજુ ફરી વળ્યું જયારે સતવારા પરિવારના પિતા પુત્રના એક સાથે જ મૃત્યુ નીપજયા, જેની વિગત મુજબ નીરવ પ્રકાસભાઈ પરમાર નામનો સગીર પોતાની વાડીએ મોટર બંધ કરવા જતો હતો ત્યારે ઉપરથી પસાર થતી વીજ લાઈનમાંથી જીવંત તાર તૂટી તેની પર પડ્યો હતો. જીવંત વીજ તાર માથે પડતા બાળકને જોરદાર સોક લાગ્યો હતો. જેને લઈને નજીકમાં જ કામ કરતા તેના પિતા પ્રકાસભાઈ ભવાનભાઈ પરમાર (ઉવ ૩૦) દોડી ગયા હતા. જેમાં તેઓ પણ વીજ સોકનો ભોગ બની ગયા હતા. જીવંત વીજ પ્રવાહમાં સપડાયેલ પિતા પુત્ર પોતાનો બચાવ ન કરી શક્યા અને બંનેના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયા હતા. આ બનાવના પગલે સતવારા પરિવાર સહિત નાના એવા ગામમાં શોકનું મોજું પ્રશરી ગયું હતું.