એસ્સારના જનરલ મેનેજરનું કજૂરડા ગામના સરપંચે બાવળું પકડ્યું

0
3592

દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં આવેલ એસ્સાર કંપનીના પાવર પ્લાન્ટમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા એક ઓફિસર પર કજુરડા ગામના સરપંચ સહિતના બે શખ્સોએ બોલાચાલી કરી ફડાકા વારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવવામાં આવી છે. 18 નંબરના જંકશનમાં કોલસામાંથી ધૂળ ઉડતી હોવાની ફરિયાદના પગલે જીએમ સ્થળ પર પહોંચ્યા ત્યારે સરપંચ અને તેના મળતીયાએ બોલાચાલી કરી ફડાકા ચોડી દીધા હતા. હવે આ બાજુ આવતો નહીં નહીંતર તારા ટાંટિયા ભાંગી નાખીશું એવી પણ જીએમને ધમકી આપવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં આવેલ એસ્સાર કંપનીના પાવર પ્લાન્ટમાં આ ઘટના ઘટી હતી. જેની વિગત મુજબ કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા વિપુલ ગોવિંદભાઈ લીંબાણી ગદર 16મી ના રોજ પોતાની ફરજ પર હતા ત્યારે સવારના સમયે જંકશન નંબર 18 ઉપર કોલસાની બહુ ધૂળ ઉડતી હોવાની ફરિયાદ મળતા તેઓ ત્યાં પહોંચ્યા હતા. જ્યાં હાજર રહેલા કજુરડા ગામના સરપચ પુનરાજભાઈ મોરી અને તેના સાથે રહેલ રાજેશભાઈ મોરી ત્યાં હાજર હતા. આ બંને શખ્સોએ જનરલ મેનેજર વિપુલભાઈ સામે ઉગ્ર બોલાચાલી કરી હતી અને ઝઘડો કરવા લાગ્યા હતા.

‘તમે લોકો ધ્યાન આપતા નથી’ એમ કહી સરપંચ પુનરાજે કંપનીના જનરલ મેનેજરનું બાવળું પકડી લીધું હતું. દરમિયાન ‘તમે મારી સાથે શાંતિથી વાત કરો’ એમ જનરલ મેનેજરે કહી છોડી દેવા કહ્યું હતું. જેને લઈને પુનરાજની સાથે રહેલ રાજેશ મોરીએ ડાબા ગાલ પર જોરથી બે જાપટ મારી દઈ, બંને શખ્સોએ બીભત્સ વાણી વિલાસ આચરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ‘હવે આ બાજુ આવતો નહીં, નહીંતર તારા ટાંટિયા ભાંગી નાખીશું’ એવી ધમકી પણ બંને શખ્સોએ આપી હતી. આ બનાવની ફરિયાદના આધારે ખંભાળિયા પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here