જામનગર : જામનગર જીલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ સર્જાયો છે. દરરોજ કયાંક ને ક્યાંક વરસાદ પડે જ છે. ત્યારે આજે ફરી રચાયેલ મેઘાવી માહોલ વચ્ચે લાલપુર પંથક પાણી પાણી થઇ ગયો છે. લાલપુર તાલુકા મથકે માત્ર બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે અન્ય ત્રણ તાલુકાઓમાં એક થી બે ઇંચ વરસાદ વરસી ગયો છે.
મેઘરાજાએ આ વખતે જોરદાર ઇનિંગ રમી જીલ્લામાં મહેર કરી છે. કાલાવડ અને જોડિયા પંથકને બાદ કરતા ખરીફ પાકનું ચિત્ર ખરેખર ફૂલ ગુલાબી જ છે. ત્યારે છેલા એક સપ્તાહથી જીલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ રચાતો આવ્યો છે આજે દ્વારકાનો માહોલ જામનગર જીલ્લામાં રચાયો હતો. બપોરે કાળા ડીબાંગ વાદળો વચ્ચે મેઘરાજાએ મંડાણ કર્યા હતા. લાલપુરમાં બપોરના બે થી ચાર વાગ્યાના ગાળા દરમિયાન ધોધમાર ત્રણ ઇંચ કૃપા વરસાવી છે જેને કારણે ફાલ્કુ નદી બે કાઠે થઇ હતી. જયારે જામજોધપુરમાં એક અને જામનગરમાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત કાલાવડમાં પોણો ઇંચ અને અન્યત્ર ઝાપટા પડ્યા હતા. હજુ પણ વરસાદી માહોલ યથાવત છે.