જામનગર : જનકલ્યાણ માટે અનેક સાધુ સંતોએ યાત્રા-પ્રવાસ અને પ્રવચનો આપ્યા છે પણ એક સાધુ એવા પણ છે જે છેલ્લા સવા વર્ષથી આશ્રમ છોડી પદયાત્રા પર નીકળ્યા છે. બાર જ્યોર્તિલિંગની યાત્રાએ નીકળેલ આ સંઘ આજે દ્વારકા આવી પહોચ્યો છે. દેશના વિજય અને જળ, જંગલ અને જીવના કલ્યાણ માટે નીકળેલ પદયાત્રા કેમ્પ દરરોજ જુદી જુદી જગ્યાએ એક વૃક્ષ વાવી સમાજને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપે છે.
મધ્ય પ્રદેશના ચોક્કસ સમ્રદાય-આશ્રમ સાથે સંકળાયેલ શ્રી શ્રી ૧૦૦૮ નર્મદાનંદ બાપજીએ જનકલ્યાણ અને પર્યાવરણના રક્ષણ તેમજ રાષ્ટ્ર, ધર્મ, સંસ્કૃતિ માટે રાષ્ટ્રીય વિજય યાત્રા શરુ કરી છે. દેશને જોડી રાખતા બાર જ્યોર્તિલિંગની પદ યાત્રા શરુ કરવામાં આવી છે. આ મહાત્માએ તેની ભાવિક ટીમ સાથે તા. ૨૯/૯/૨૦૧૯ના રોજ પદયાત્રા શરુ કરી છે.
દેશના જુદા જુદા રાજ્યોમાં ફેલાયેલ બાર જ્યોર્તિલિંગની પદ યાત્રાએ નીકળેલ સંઘ આજે સોમનાથ થઇ દ્વારિકા આવી પહોચ્યો હતો. દેશના મોટાભાગના રાજ્યોને આવરી લેવાય અને પોતાનો સંદેશ વધુ ને વધુ દેશવશીઓ સુધી પહોચાડી શકાય તે માટે પદયાત્રાએ નીકળેલ આ સંઘ દેશના અગ્યાર રાજ્યો ફરી ગુજરાતમાં આવ્યા છે. આજે દ્વારકા ખાતે આવેલ મહાત્માએ જણાવ્યું હતું કે સવા વર્ષ પૂર્વે જ્યોર્તિલિંગ કેન્દ્રબિંદુને કેન્દ્ર બિંદુમાં રાખી દેશમાં જલ,જંગલ અને જીવના મહત્વને સમજાવવાનો સંદેશ આપવા માટે પદ યાત્રા શરુ કરી છે.
લગભગ ૧૨ હજાર કિમીની યાત્રા દરમિયાન આજે દ્વારકા નજીકના નાગેશ્વર જ્યોર્તીલિંગ ખાતે મુકામ કર્યો છે. શરૂઆતમાં કેદારનાથ, વિશ્વનાથ, વેજનાથ, રામેશ્વરમ, મલ્લિકાર્જુન, ભીમાશંકર, ત્યંબકેશ્વર, ભૂસ્નેશ્વર, સોમનાથ થઇ આજે સંઘ દ્વારિકા આવી પહોચ્યો હતો. જે દિવસે જે ગામ-શહેર કે આશ્રમમાં પડાવ રહે ત્યાંથી પ્રસ્થાન સમયે દરરોજ એક વૃક્ષ વાવવાનું શરુ કર્યું છે. દેશવાસીઓમાં પર્યાવરણના બચાવની જાગૃતિ આવે એવા શુભ આશયથી વૃક્ષરોપણ કરવામાં આવે છે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય જ પાણી, પર્યાવરણ અને જીવ સૃષ્ટિનું કલ્યાણ છે એમ બાપજીએ જણાવી તમામે આ ત્રણેયની રક્ષા કરવી જોઈએ એમ કહ્યું છે.