દ્વારકા: પોલીસની નજર સામે સરકારી બોલેરોની ચોરી કરી ચોરે નાક કાપી લીધું

0
1181

દેવભૂમિ દ્વારકા પોલીસ ગઈ કાલથી રાજ્યભરમાં વગોવાઈ છે કારણ કે એક ચોર પોલીસ સ્ટેશનના પટાંગણમાંથી પોલીસની બોલેરો ચોરી કરીને નીકળી જાય અને એ પણ છેક જામનગર સુધી પહોચી જાય તો પોલીસની કેવી ધાક કે કેવી ફરજ નિષ્ઠા? આવા સવાલ ઉઠી રહ્યા છે. જો કે જામનગર પોલીસે આ ચોરને ગાડી સાથે પકડી પાડી દ્વારકા પોલીસની થોડી આબરૂ બચાવી છે.

દેવભૂમિ દ્વારકા પોલીસ ત્યારે ચર્ચામાં આવી જયારે પોલીસ સ્ટેશનની બોલેરોની ચોરી થઇ, વાત છે યાત્રાધામ દ્વારકા પોલીસ સ્ટેશનની, અહી પોલીસ સ્ટેશનના પટાંગણમાં ગઈ કાલે સવારે બોલેરો પાર્ક કરી ડ્રાઈવર પોલીસ સ્ટેશન અંદર ગયા, થોડી જ વારમાં એટલે કે સાડા આઠ વાગ્યામાં જ બોલેરો ગાયબ થઇ ગઈ, ખબર પડી ત્યારે ખાસ્સો સમય થઇ ગયો હતો. ડ્રાઈવરે અધિકારીઓને જાણ કરી અને જીલ્લાભરમાં ઉપરાંત આજુબાજુના જિલ્લાઓમાં નાકાબંધીઓના ઓર્ડર છૂટ્યા, થોડી જ વારમાં દ્વારકા પોલીસ વર્તુળમાં ખળભળાટ મચી ગયો સાથે સાથે હમારે જેલમેં સુરંગ જેવો તાલ સર્જાતા અમુક પોલીસ અધિકારીઓ પણ મુછમાં હસતા જોવા મળ્યા, જો કે પોતાના જ ઘરમાં ખાતર પડતા પોલીસ હરકતમાં આવી ગઈ, પોલીસે તુરંત કુરંગા ટોલનાકે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા જેમાં બોલેરો ચાલક ચોર કારને હંકારી જતો નજરે પડ્યો હતો.

જેને લઈને પોલીસે ખંભાલીયા ટોલનાકે ચેક કરતા ત્યાંથી પણ ચાલક બોલેરો લઇ પસાર થઇ ગયો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને જામનગર પોલીસને સજાગ કરવામાં આવી હતી અને જામનગર પહોચેલ સખ્સને જામનગર પોલીસે ગાડી સાથે દબોચી લઇ દ્વારકા પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે જયારે રોકાવવા ઇસારો કર્યો ત્યારે ચોર સમજી ગયો હતો કે હવે ચોરી પકડાઈ જશે છતાં પણ ગાડી થંભાવી નીચે ઉતરી સખ્સે પોલીસ પાસેથી આઈડી કાર્ડ માંગ્યું હતું. ત્યારબાદ પોલીસના હાથમાં આવી ગયેલ ચોરનો સીન વિખેરાઈ ગયો હતો. આ સખ્સનું નામ મોહિત અશોકભાઈ શર્મા છે અને તે ગાંધીધામ કચ્છનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જામનગર પોલીસે આરોપીને ગાડી સાથે દ્વારકા પોલીસના હવાલે કર્યો છે.

NO COMMENTS