જામનગર અપડેટ્સ: છેક કેરળ રાજ્યથી દેવભૂમિ દ્વારકાના વિવિધ ધર્મસ્થળોના દર્શને આવેલા એક દંપતીનું ગમખ્વાર કાર અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું છે કાર ચલાવનાર દ્વારકાના ચાલકનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે દ્વારકા ઓખા વચ્ચે આવેલા ભીમરાણા ગામ પાસે રોંગ સાઈડમાં આવેલા ટ્રકે કારને જોરદાર ઠોકર મારી ગમખ્વાર અકસ્માત નીપજાવ્યો હતો.
ગત એક સાતમી ના રોજ સવારે સાત વાગ્યે દ્વારકામાં બિરલા પ્લોટ વિસ્તારમાં રહેતા હેમેન્દ્રભાઈ રમેશભાઈ તાવડીવાલાને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતાં કિશનભાનો ફોન આવેલ અને કહેલ કેરળના પતિ પત્નીને દ્વારકા દર્શન કરાવવાના છે. એટલે ડ્રાઈવર તરીકે ફોરવીલની વર્ધી કરશો કે કેમ ? જેને લઇને હેમેન્દ્રભાઈએ વર્ધી કરવાની હા પાડી અને તેઓ કેરલના દંપતિને દ્વારકા દર્શન કરાવવા માટે નાગેશ્વર બેટ દ્વારકા લઈ ગયા હતા. બપોરે બેટ દ્વારકાના દર્શન કરી હેમેન્દ્રભાઈ કાર લઇ કેરળના દંપતીને બેસાડી પરત દ્વારકા આવતા હતા ત્યારે ઓખા દ્વારકા હાઇવે પર ભીમરાણા ગામ પાસે રોંગ સાઈડમાં જીજે 37 ટી 98 99 નંબરનો ટ્રક પુર ઝડપે આવી ચડ્યો હતો અને કારને જોરદાર ઠોકર મારી અકસ્માત નીપજાવ્યો હતો. જેમાં કારની અંદર બેઠેલા કેરળના દંપતી પૈકીના ઓબી વાસુદેવનને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતુ.
જ્યારે તેઓના પત્ની યામિનીબેન અને કારચાલક હેમેન્દ્રભાઈને માથા સહિત શરીરના ભાગે ઇજાઓ પહોંચતા તાત્કાલિક મીઠાપુર ટાટા કંપનીની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ તેઓને જામનગર ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર મળે તે પૂર્વે જ કારચાલક હેમેન્દ્રભાઈનું પણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આઈસીયુમાં સારવાર લઈ રહેલ યામિનીબેનનું પણ ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવને લઈને કેરળના પરિવારને જાણ કરવામાં આવી હતી જ્યારે દ્વારકા રહેતા મૃતક હેમેન્દ્ર ભાઈના ભાઈ કૌશિકભાઈએ આ બનાવ અંગે મીઠાપુર પોલીસ દફતરમાં અકસ્માત નીપજાવી નાસી ગયેલા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. મૃતક હેમેન્દ્રભાઈ તેના ચાર ભાઈઓ સાથે સહ પરિવારમાં દ્વારકા રહેતા હતા. માતા પિતા સાથે સહકુટુંબમાં રહેતા હેમેન્દ્રભાઈ ત્રીજા નંબરના સંતાન હતા. આ બનાવની જાણ થતા ખારવા પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું.