રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં પોલીસ કર્મીઓને આપવામાં આવેલ વિશેષ આર્થિક ભથ્થાઓને લઈને રાજ્યભરમાંથી કચવાટ ઉઠવા પામ્યો છે. ઉચ્ચ ગ્રેડ પેની માંગણી સામે સરકારે મામૂલી વળતર આપ્યાનો કચવાટ અંદરખાને હતો. પરંતુ હવે તે બહાર આવ્યો છે. પ્રસાર માધ્યમોમાં અવાજ ઉઠાવનાર દ્વારકાના હથિયારી પીએસઆઇને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્ડેડ પીએસઆઇ દ્વારા આ બાબતે આઈપીએસ અને નેતાઓની સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પીએસઆઈએ મીડિયા સામે આપેલ ઇન્ટરવ્યુ બાદ તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
અન્ય રાજ્યોમાં જે પગાર ધોરણ અને ગ્રેડ પે છે તે મુજબ ગુજરાત સરકાર પણ પગાર અને ગ્રેડ પે ની અમલવારી કરે, આ માંગણીઓને લઈને રાજ્યના પોલીસ કર્મીઓ સોશિયલ મીડિયામાં અવારનવાર પોતાની માંગણીઓ દોહરાવી રહ્યા હતા. આવા સમયે સરકાર દ્વારા એલ આર ડી થી માંડી એએસઆઇ સુધીના પોલીસ કર્મીઓનો પગાર વધારી આર્થિક પેકેજ જાહેર કર્યું હતું.
આ પેકેજ નો લાભ લેનાર પોલીસ કર્મીઓ પાસેથી બાહેધરી પણ માંગવામાં આવતી હતી જેને લઇને વિરોધ ઊઠવા પામ્યો હતો. જોકે સરકાર દ્વારા જાહેર કરાયેલ પેકેજ થી પણ પોલીસ કર્મીઓમાં અંદરખાનેથી અસંતુષ્ટ હોવાનો શૂર સામે આવી રાહયી હતો તે અંતે બહાર આવ્યો છે. તાજેતરમાં દ્વારકાના પીએસઆઇ રતિલાલભાઈ રૂપાભાઈ વસાવા એ પ્રસાર માધ્યમોમાં પોતાનો આ અવાજ બુલંદ બનાવ્યો હતો.
સરકાર દ્વારા જે ભથ્થું આપવામાં આવ્યું છે તે ના બરાબર છે એમ પીએસઆઇ વસાવાએ મત દર્શાવ્યો છે. ગ્રેડ-પે નહીં આપી મામુલી પગાર વધારો આપ્યો છે જે રડતા છોકરાને છાના રાખવા જેવું કામ કર્યું હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત જેને પગાર વધારો મળ્યો છે તે પોલીસ કર્મીઓને ફોર્મ ભરાવી હાથ કાપી લેતા હોવાની પણ તેઓએ લાગણી દર્શાવી હતી. એલઆરડી થી એએસઆઇ સુધીના જ પોલીસ અધિકારીઓને આ ભથ્થું આપવામાં આવ્યું છે તો શું અન્ય પોલીસ કર્મીઓને ખર્ચની જરૂર નથી ? આવા વેધક સવાલો પણ તેઓએ કર્યા છે. ips અને નેતાઓની સાંઠગાંઠ હોવાનો ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે. ગ્રેડ પે અને પગાર વધારો કોઈના બાપના ગજવામાંથી માંગતા નહીં હોવાનો પણ પીએસઆઇ અંતે ઉગ્રતા પૂર્વક વસવસો ઠાલવ્યો હતો.
ઉપરોક્ત કથનો સાથે પીએસઆઇ આર આર વસાવાનો ઇન્ટરવ્યુ પ્રસાર માધ્યમોમાં પ્રસારિત થતા જ કડક કાર્યવાહી કરવામાં આવી છે. પીએસઆઇ આર આર વસાવાને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે. સરકારી અધિકારીને ન છાજે એવું વર્તન કરવા બદલ પીએસઆઇ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પીએસઆઇ સામે ભરવામાં આવેલા કડક પગલાના લઈને હાલ તો પોલીસ બેડામાં સોપો પડી ગયો છે પરંતુ અંદરથી ઉકળી રહેલ અસંતોષનો જુવાળ ક્યારેક તો બહાર આવશે જ એમ અંતરંગ પોલીસ સૂત્રો માની રહ્યા છે.