દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પંથકના પ્રાંત અધિકારીને એક યુવાને સોશિયલ મીડિયાના ફેસબુક માધ્યમથી વિડીયો શેર કરી કુહાડા વડે મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે. પ્રાંત અધિકારી રાજ્ય સેવકની નોકરી ન કરી શકે અને મનોબળ તોડવા માટે અપલોડ કરેલા વીડીયા સબંધે આરોપી સામે ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પંથકના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાએ હાલ દ્વારકા રહેતા મૂળ કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામના કાના દેવાત ચાવડા સામે ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ફરિયાદ દાખલ કરાવી છે. દ્વારકા પોલીસે આરોપી સામે ફરજમાં રૂકાવટ અને ધમકી સબબની ફરિયાદ નોંધી છે. જેમાં આરોપીની કલ્યાણપુર તાલુકામાં જમીન આવેલી છે. જે જમીન સંપાદનમાં આવતી હોવાથી આરોપી દેવાત ચાવડાએ પ્રાંત કચેરીથી નારાજ થઈ સોશિયલ મીડિયાના facebook પ્લેટફોર્મ પર પોતાના એકાઉન્ટમાંથી એક વિડીયો અપલોડ કર્યો હતો. જેમાં તેઓએ પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાને કુહાડા વડે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રાંત અધિકારી પોતાની રાજ્ય સેવક તરીકેની નોકરી કરી ન શકે અને તેનું મનોબળ તૂટી જાય તે આશયથી વિડીયો અપલોડ કરી, પ્રાંત અધિકારીની ફરજમાં રૂકાવટ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ પોલીસે આરોપી સામે ગુનો દાખલ કર્યો છે.