જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા પોલીસ દફતરમાં સપ્તાહ પૂર્વે નોંધાયેલ ફાયનાન્સ પેઢીની ફરિયાદના આધારે તપાસનો દોર આગળ ધપાવાયો છે. બીજી તરફ આધારભૂત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ દોઢ કરોડ રૂપિયાની કીમતના નવ ટ્રક રાજકોટના ભંગાર વાડે કપાઈ ગયા છે. જેને લઈને પોલીસ આ દિશામાં તપાસ કરે તો દેવભૂમિ દ્વારકા જીલ્લા પુરતું જ નથી ટ્રક ભાંગવાનું સૌરાષ્ટ્ર કક્ષાનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા પોલીસ દફતરમાં ગત સપ્તાહે હિન્દુજા લેલન્ડ ફાઈનાન્સ લી. નામની વાહનોનું ફાયનાન્સ કરતી પેઢીના મેનેજર જયેશ જોશીએ દ્વારકામાં રહેતા દેવાભા બાબાભા સુમણીયા, જીતુભા બાબભા સુમણીયા અને ભૂટાભા બાબાભા સુમણીયા નામના સખ્સોને પોતાની પેઢીમાંથી વર્ષ ૨૦૧૨થી અત્યાર સુધીના ગાળામાં કુલ નવ ટ્રકની લોન કરી એગ્રીમેન્ટ કર્યા હતા. જેમાં એવી શરતો રાખવામાં આવી હતી કે ગ્રાહક ત્યારે જ વાહન વેચી શકે જયારે પેઢીને પુરતી લોંન ચૂકવી હોય, આવા કરાર છતાં પણ આરોપીઓએ લોનના હપ્તા ચૂકવ્યા વિના જ આ ટ્રકો રાજકોટના જમાલ અબ્દુલભાઈ રે ઘાંચીવાડ વાળાને વેંચી માર્યા હતા. જેને લઈને તપાસનો દોર રાજકોટ તરફ આગળ વઘતા સામે આવ્યું હતું કે રૂપિયા ૧,૪૯,૮૫,૨૪૯ની કિંમતના નવ ટ્રક બરોબાર ભંગાર વાડામાં ભંગાઈ ગયા છે. આ બાબતે રાજકોટ સુધી તપાસ લંબાવવામાં આવે તો આવી જ રીતે ટ્રક ભાંગવાનું સૌરાષ્ટ્ર વ્યાપી કૌભાંડ પકડાઈ શકે છે.