દ્વારકા : ભાણવડમાં બે કલાકમાં ચાર ઇંચ, કલ્યાણપુરનું આ ગામ ફરી બેટમાં ફેરવાશે ?

0
687

જામનગર : દેવભૂમિ દ્વારકાના ભાણવડ ખાતે આજે સવારે બે કલાકના ગાળામાં ધોધમાર ચાર ઇંચ વરસાદ વરસી જતા ચોતરફ પાણી પાણી થઇ ગયું હતું. તાલુકા મથકના નીચાણ વાળા વિસ્તારોં પાણી ભરાઈ ગયા હતા તો નદી નાળા બેકાઠે થયા હતા. બીજી તરફ ફરી વખત વર્તુ ડેમના દરવાજા ખોલાતા વધુ એક વખત રાવલ બેટમાં ફેરવાઈ જવાની શક્યતાઓ તોળાઈ રહી છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ પંથકમાં આજે સવારથી જ મેઘાવી માહોલ રચાયો છે. સવારથી જ મેઘરાજાએ મુકામ કર્યા છે. વહેલી સવારે ૬ થી આઠ વાગ્યામાં માત્ર ઝાપટા પાડ્યા બાદ આઠ  વાગ્યા બાદ ધોધમાર શરુ થયો હતો. જેમાં આ બે કલાકના ગાળામાં મેઘરાજાએ ચોતરફ પાણી પાણી કરી નાખ્યું હતું. દ્વારકા ડિજાસ્ટર કચેરીએ નોંધાયેલ આકડાઓ મુજબ આઠ થી દસ વાગ્યા સુધીમાં ૯૮ મીમી એટલે કે ચાર ઇંચ વરસાદ પડી ગયો છે. જીલ્લાના અન્ય તાલુકાઓમાં એક પણ મીમી વરસાદ નોંધાયો નથી. જયારે ભાણવડ તાલુકા મથક અને ગામડાઓમાં પુર પ્રકોપ સર્જાયો  છે. હજુ પણ મેઘરાજાનો મુકામ યથાવત હોવાથી વધુ વરસાદની શક્યતાઓ તોળાઈ રહી છે. બીજી તરફ ભારે વરસાદને કારણે ફરી વખત વર્તુ ડેમના ૧૫ દરવાજા ત્રણ ફૂટથી ખોલવામાં આવ્યા છે . જેને લઈને કલ્યાણપુર તાલુકાનું રાવલ ગામ પાંચમી વખત બેટમાં ફેરવાઈ જવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

NO COMMENTS