દેવભૂમિ દ્વારકા: સરકારી અધિકારી સાથે ઓટો કન્સલ્ટન્ટની છેતરપીંડી

0
865

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકા પંચાયત કચેરીમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા એક અધિકારી સહિતના અન્ય ત્રણ સખ્સોના ફોર વિલ વાહનો બારોબાર વેચી મારી ઓટો કન્સલ્ટન્ટ પેઢી ચલાવતો સખ્સ બારોબાર પોબારા ભણી ગયો છે. પોલીસે આ પેઢી સંચાલક સામે છેતરપીંડી સબબ ફરિયાદ નોંધી છે.

ખંભાલીયામાં તાલુકા પંચાયત કચેરીમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા મેસુર ખીમાભાઈ આંબલીયાએ સ્ટેશન રોડ, પટેલ બેટરી પાસે, આવેલ મહાદેવ ઓટો કન્સલ્ટ નામની ઓફિસના સંચાલક-માલિક મારખી નેભા હાથલિયા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જૂની ગાડીઓ લેવેચ કરતા આ સખ્સને અધિકારીએ પોતાની જૂની સ્વીફ્ટ કાર રૂપિયા ૨.૮૦ લાખમાં વેચાણ કરવા આપી હતી. પરંતુ સમય ઘણો વીતી જવા છતાં પેઢી ધારક તરફથી કોઈ જવાબ ન મળતા ઓફીસ સુધી તપાસ કરાવી હતી જેમાં આરોપીએ પોતાની પેઢીને તાળા મારી રફુચક્કર થઇ ગયો હોવાનું સામે આવ્યું હતું. છતાં પણ અધિકારીએ તેનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેનો મોબાઈલ બંધ આવતો હતો.  ઓફીસ સુધી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીએ સરકારી અધિકારી ઉપરાંત અન્ય ત્રણ આસામીઓ પાસેથી જૂની કાર વેચાણ અર્થે લઇ બારોબાર વેચી મારી જે તે માલિકોને પૈસા પણ આપ્યા ન હતા. આ ઉપરાંત ખંભાળીયાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ આરોપીએ આ જ રીતે વાહનો લઇ બારોબાર વેચી માર્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેથી સરકારી કર્મચારીએ પોતાની તથા અન્ય ત્રણ આસામીઓની કાર બારોબાર વેચાણ કરી નાખવા સબબ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી જેને લઈને ખંભાલીયા પોલીસે આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

NO COMMENTS