જામનગર : આગામી હોળી-ધૂળેટીના તહેવારને અનુલક્ષીને દર વર્ષે દ્વારકા ખાતે યોજાતો ફૂલડોલ ઉત્સવ આ વર્ષે રદ કરવામાં આવ્યો છે. કોરોના મહામારીની સામે અઢી લાખ ભાવિકોની ભીડ થતી હોવાથી મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા સતત બીજા વર્ષે ફૂલડોલ ઉત્સવ બંધ રાખ્યો છે. ફૂલડોલ ઉત્સવ મનાવવા રાજ્યભરમાંથી પગપાળા દ્વારકા પહોચતા ભાવિકોને સતત બીજા વર્ષે પણ નિરાશા સાંપડી છે.
દેવભૂમિ દ્વારકામાં દર વર્ષે હોળી ધૂળેટીના તહેવાર નિમિતે ફૂલડોલ ઉત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવે છે. જન્માષ્ટમી ઉત્સવ કરતા પણ વર્ષે-વર્ષે ફૂલડોલ ઉત્સવનો મહિમા વધતો ચાલ્યો છે. બીજી તરફ કોરોનાકાળને લઈને સતત બીજા વર્ષે તંત્ર દ્વારા આ ઉત્સવ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દર વર્ષે આ ઉત્સવ ઉજવવા માટે લગભગ અઢી લાખ માનવ ભાવિકોનો સમૂહ દ્વારકા એકત્ર થતો હોય છે અને જગત મંદિરના પ્રાંગણમાં ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે. પરંતુ હજુ પણ કોરોનાની ભીતિ એવી જ રહેતા આ વર્ષે પણ ભાવિકો માટે ઉત્સવની ઉજવણી બંધ રાખવામાં આવી છે.
અઢી લાખના માનવ મહેરામણ વચ્ચે સોશ્યલ અંતર જાળવી ન શકાય જેને લઈને મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા આગામી તા. ૨૭ થી ૨૯ દરમિયાન ભાવિકો માટે મંદિર દર્શન બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉત્સવ તા.૨૮-૨૯ માર્ચના રોજ યાત્રિકોને પ્રવેશ નહિ મળે, જો કે આ ઉત્સવ દ્વારકાધીશ મંદિરની વેબસાઈટ www.dwarkadhish.org ઉપર લાઈવ દર્શન થઈ શકશે . દર વર્ષે આ ઉત્સવના દિવસો દરમ્યાન સમગ્ર રાજ્યમાંથી પદયાત્રીકો નો સંઘ લઈ દર્શને આવતા હોય છે જેમાં ચાર થી પાંચ દિવસમાં અંદાજિત ૨.૫૦ લાખ યાત્રિકો અવર જવર કરતા હોય છે. કોરોનાના કારણે આ વર્ષે યાત્રિકોને પ્રવેશ નહીં આપવામાં આવે તેવો નિર્ણય દ્વારકાધીશ સમિતિ દ્વારા લેવામાં આવ્યો જેની દેશ વિદેશથી આવતા ભાવિકોએ નોંધ લેવા પણ જણાવાયું છે.