જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા નજીક આવેલ ટુપણી ગામે આજે બપોરે બે આહીર જૂથો વચ્ચે સસ્ત્ર અથડામણ થવા પામી હતી. જમીનના જુના મનદુઃખને લઈને ચાલી આવતી રંજીશ આજે હથિયારો સાથે આમને સામને આવી જતા બંને જૂથના એક ડઝન સખ્સોને નાનીમોટી ઈજાઓ પહોચતા પ્રથમ ખંભાલીયા બાદ અમુક ઘાયલોને જામનગર ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આજે દ્વારકા તાલુકાના ટુપણી ગામે બપોરે બે આહીર જૂથો વચ્ચે સસ્ત્ર જૂથ અથડામણ થવા પામી છે. બપોરે સાડા બારેક વાગ્યે આહીર જ્ઞાતિના બંને જૂથ સામસામે આવી જતા બંને તરફે હથિયારો ઉડયા હતા. બંને પક્ષે વર્ષોથી ચાલ્યા આવતા જૂના જમીનના મનદુઃખને લઈને ધીંગાણું થયું હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. આ બનાવમાં એક જુથમાં પાંચ અને અન્ય જૂથની સાત વ્યક્તિઓને ઈજાઓ પહોચી હોવાની વિગતો સામે આવી છે. આ બનાવના પગલે દ્વારકા અને ઓખાની ૧૦૮ની ટીમોને તાત્કાલિક સ્થળ પર દોડાવવામાં આવી હતી. બનાવની જાણ થતા જ દ્વારકા પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી અને ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘાયલો પૈકી પાંચને ગંભીર ઈજાઓ પહોચતા જામનગર રીફર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે પોલીસે સામસામે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.