દ્વારકા: દારૂ પીધેલ સખ્સે પોલીસની ઓળખ આપી કાર સવાર યુવાનો સાથે માથાકૂટ કરી

0
801

જામનગર અપડેટ્સ: પવિત્ર યાત્રાધામ દ્વારકામાં વધતી જતી ગુનાખોરી વચ્ચે વધુ એક બબાલ થવા પામી છે. કાર પાછળ બાઈક અથડાવી દારૂની બોટલ સાથે નીકળેલા એક સખ્સે કાર સવાર યુવાનો સાથે માથાકૂટ કરી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી બખેડો કર્યો હતો. યુવાનોએ પોલીસ બોલાવી પોતાને પોલીસકર્મી ગણાવતા સખ્સને અસલી પોલીસ સાથે ભેટો કરાવ્યો હતો. પોલીસે કબજાનો દારૂ અને બોલાચાલી-એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી બાઈક ચાલક સખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

શિયાળો ધીરે ધીરે જામી રહ્યો છે ફૂલગુલાબી ઠંડી જનજીવનને ધીરે ધીરે ઠંડુગાર કરી રહી છે પણ દ્વારકાના જનમાનસમાં હજુ ઉનાળો હોય તેમ ગરમાં ગરમી થઇ  રહી છે. જામનગર રહેતા બે યુવાનો ધર્મેશ ગંગેરા અને કરમણ ગઢવી નામના બે યુવાનો જામનગરથી પોતાની કાર લઇ ગઈ કાલે દ્વારકા અને શિવરાજપુર બીચ  ફરવા ગયા હતા. શિવરાજપુર બીચ પરત દ્વારકા આવેલ બંને યુવાનો કાર સાથે રાત્રે વિર્મેશ્વર ખાતે એક હોટેલમાં વિરામ કરવા જતા હતા ત્યારે કોકિલાધામ નજીક કાર પાછળ એક બાઈક અથડાયું હતું.  બાઈક અથડાતા કારનું બમ્પર તૂટી ગયું હતું. જેથી કાર નીચે ઉતરી બંને યુવાનોએ બાઈક ચાલકને કહ્યું હતું કે કેમ ભાઈ તમને અમારી કાર દેખાતી નથી ? આટલું સંભાળતા જ બાઈક ચાલકે કહ્યું હતું કે ‘તમે મને ઓળખતા નથી, હું દ્વારકા પોલીસ છું મારુ નામ હર્ષિત છે. તમેં કેવા છો ?’ જેને લઈને ધર્મેશે પોતે દલિત હોવાનું અને જામનગરથી આવતા હોવાનું કહ્યું હતું.

આમ છતાં પણ બાઈક ચાલક સખ્સે પોલીસ તરીકેની ઓળખ આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત ભર્યા શબ્દો બોલી વાણીવિલાસ આચરી ‘હું જ પોલીસ છું એમ કહી એક ઝાપટ મારી હતી ખોટી હોશિયારી કરશો તો અહીંથી જીવતા નહી જાવ એમ કહેવા લાગ્યો હતો. જેને લઇ બંને યુવાનોએ પોલીસના ૧૦૦ નમ્બરમાં જાણ કરી હતી. છતાં પણ સખ્સ વધુ ધમપછાડા કરવા લાગતા બંને યુવાનો જે તે સખ્સને પોલીસ દફતર લઇ ગયા હતા. જ્યા બંને યુવાનોએ તમામ વિગત પોલીસને જણાવી હતી. દ્વારકા પોલીસે સખ્સની ઓળખ કરતા તે પોલીસમાં ન હોવાનું સામે આવ્યું હતું અને તેના કબ્જામાંથી એક દારૂની બોટલ પણ મળી આવી હતી. આ સખ્સ દારૂ પીધેલ હોવાનું પણ સામે આવ્યું હતું.  જેથી પોલીસે આ સખ્સ સામે ત્રણ જુદી જુદી ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે હર્ષિત સામે બખેડો કરી એટ્રોસિટી અને દારૂ પીધેલ તેમજ દારૂની કબજાની બોટલ સબંધિત ત્રણ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

NO COMMENTS