દ્વારકામાં મોહરમ તહેવાર નિમિત્તે નીકળેલા જુલુષ દરમિયાન વિક્ષેપ ઊભો કરવા માટે સાત શખ્સોએ જુલુસના રૂટ પર ઘાસચારો અને ખોળ નાખી ગાયો ભેગી કરી, અડચણ ઊભું કરી, જગ્યાએ એકત્ર થઈ ઉશ્કેરણીજનક સૂત્રોચાર કરી, ધાર્મિક વિધિ અટકાવવાની તૈયારી કર્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે તમામ શખ્સોની અટકાયત કરવા તજવીજ શરૂ કરી છે.
તાજેતરમાં યોજાયેલ શોભાયાત્રા દરમિયાન દ્વારકામાં કોમી તગદીલી સર્જાઇ હતી. જેને લઈને આ વખતે પોલીસે મોહરમ પર્વના જુલુસમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂર્વ તૈયારીઓ કરી હતી. જે અનુસંધાને પોલીસ દ્વારા પોતાના ખાસ બાતમીદારો રોકી માહિતી એકત્ર કરવામાં આવી હતી. જેમાં ભથાણ ચોક અને આંબેડકર ચોક પાસે અમુક શખ્સો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે એવી હકીકતને લઇને પોલીસે આ દિશામાં કાર્યવાહી કરી હતી.
તારીખ સાતમીના રોજ સાંજે 7:00 વાગ્યે ભથાણ ચોક વિસ્તારમાં નિલેશભાઈ સારદૂરભા સુમણીયા, સુનિલભાઈ કાનાભા માણેક, રાજભા દેવભા માણેક, સાવજભાઈ વિમલભાઈ સુમનિયા, મનોજભાઈ વસ્તાભા હાથલ, હેમંતભાઈ સત્યાભા માણેક અને સોમભા કાયાભા માણેક નામના શખ્સો મોહરમ તહેવાર નિમિત્તે નીકળેલ જુલુસને વિક્ષેપ ઊભો કરવાના હેતુસર ગેરકાયદેસર મંડળી રચી, ભથાણ ચોક ખાતે જુલુસના રૂટ પર ઘાસચારો તથા ખોળ નાખી, ગાયો ભેગી કરી અડચણ થાય તેવું કૃત્ય કરી ત્યાંથી નાશી ગયા હતા . ત્યારબાદ આંબેડકર ચોક પાસે ગેરકાયદેસર રીતે ભેગા થઈ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા, જુલુસના રૂટ પર ઉભા રહી ઉશ્કેરણીજનક સૂત્રોચાર કરી ધાર્મિક વિધિ અટકાવવાની તૈયારી કરી, ટોળા ભેગા કર્યા હોવાની હકીકત મળતા પોલીસે આ દિશામાં કાર્યવાહી કરી હતી. પોલીસે તાત્કાલિક આંબેડકર ચોક પહોંચી ટોળા વિખેરી નાખ્યા હતા . જેમાં ઉપરોક્ત શખ્સો નાસી ગયા હતા . પોલીસે આ તમામ શખ્સો સામે ફરિયાદ નોંધી અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.