જામનગર : દેવભૂમિ દ્વારકાના દ્વારકા નજીકના પોરબંદર ધોરી માર્ગ પરના ધ્રેવાડ ગામના પાટિયા પાસે આજે બપોરે એક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર પાંચ પૈકી ચાર વ્યક્તિઓના મૃત્યુ નીપજયા છે જેમાં એક મહિલાનો સમાવેશ થાય છે. જયારે એક મહિલાનો આબાદ બચાવ થયો છે. તેની હાલત પણ ગંભીર ગણાવાઈ રહી છે.
દ્વારકા જીલ્લામાં દ્વારકા નજીક આજે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં જીજે ૦૨ બીડી ૮૪૬૨ નમ્બરની કારને સામેથી પુર ઝડપે આવી ચડેલ તોતિંગ ટ્રકએ જોરદાર ઠોકર મારી હતી જેમાં કારમાં સવાર ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નીપ્જ્યા હતા. આ બનાવના પગલે સ્થાનિક નાગરીકો દોડી આવ્યા હતા ને ટ્રક સાથે ફસાયેલ કારને દુર કરી મૃતકો અને એક ઘાયલ મહિલાને બહાર કાઢ્યા હતા. કારમાં સવાર પરિવાર કયાનો છે તેની વિગતો સામે આવી નથી પરંતુ કારનું પાસીંગ મહેશાણા જીલ્લાનું હોવાથી પરિવાર ત્યાનો હોવાનો અનુમાન લગાવવામાં આવ્યો છે. ગંભીર રીતે ઘવાયેલ મહિલા પણ બેસુધ્ધ હોવાથી વિગતો જાણવા મળી નથી. દ્વારકા પોલીસે આ બનાવ અંગે વિધિવત તપાસ હાથ ધરી છે.