
જામનગર અપડેટ્સ: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામેથી યુવા હૈયાઓને સીખ આપતું પ્રેમ પ્રકરણ અને ફના થયેલ પ્રેમિકાની જીંદગીનો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમ સબંધ બંધાયા બાદ યુવતીએ લગ્નની વાત કરતા યુવાન ફરી ગયો હતો અને લગ્ન કરવાની ના પાડી દેતા યુવતીને લાગી આવ્યું, યુવતીએ એસીડ ગટગટાવી આપઘાત કરી લીધો છે અને પ્રેમ પ્રકરણનો રકાસ આવ્યો છે.

એવું નથી કે કાચી ઉમરે થયેલ વિજાતીય આકર્ષણ-પ્રેમ આફત નોતરે છે પણ પાકી ઉમરે થયેલ પ્રેમ પણ અનેક વખત જીવ લઇને જાય છે આવા અનેક કિસ્સા સમાજમાં બની ચુક્યા છે ત્યારે આવો જ એક કિસ્સો દ્વારકા જીલ્લાના રાવલ ગામેથી સામે આવ્યો છે. રાવલ ગામે ચોક્કસ વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષીય સીલ્પાબેન( નામ બદલાવેલ છે)ને ગામના જ એક યુવાન સાથે પ્રેમ સબંધ બંધાય છે. શરૂઆતમાં એક્બીજા આંખના પલકારે વાત કરતા હતા ત્યારબાદ બંને ફોન પર પ્રેમાલાપ કરવા લાગ્યા હતા. પોતાના આ પ્રેમને સંસારનું રૂપ આપવા માગતી શિલ્પાએ એક દિવસ પ્રેમીને લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. પોતાનો પ્રેમી લગ્નની હા પાડશે અને પ્રેમ સબંધ સંસારમાં પરિણમશે એવી આશાએ યુવતીએ પ્રેમીને લગ્ન અંગે પૂછ્યું પરંતુ પ્રેમીના જવાબથી યુવતીને આઘાત લાગ્યો,

જોકે પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી દીધી જેને લઇ યુવતીની દિલ તૂટી ગયું, અને દશેક દિવસ પૂર્વે યુવતીએ એક સાંજે એસીડની બોટલ માંથી પોતાની રીતે એસીડ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને તેણીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે એક સપ્તાહની સારવાર બાદ તેણીનું મૃત્યુ નીપજ્યું સાથે સાથે પ્રેમ સબંધનો પણ કરુણ અંત થયો, સ્થાનિક પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ બનાવના પગલે યુવતીના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સાથે સાથે પ્રેમાલાપ કરતા અનેક યુવા હૈયાઓ માટે પણ આ બનાવ લાલબતી રૂપ છે.