જામનગર : અમદાવાદના વાડજ પોલીસ દફતરના તત્કાલીન પીએસઆઈ મિશ્રા સામે એક મહિલાએ સંગીન આરોપ લગાવી જે તે પોલીસ દફ્તરમાં જ ફોજદારી નોંધાવી છે. પોતાની દુખદ ઘડીમાં સહકાર આપી રક્ષણ કરવાને બદલે પીએસઆઈએ મહિલા સાથે કરેલ વર્તનને લઈને પોલીસ બેડામાં ચકચાર જાગી છે.
અમદાવાદના વાડજ પોલીસ દફતરમાં ફરજ બજાવતા પીએસઆઈ આર.આર.મિશ્રા અને એ.પી.પરમાર સામે એક મહિલાએ આઈપીસી કલમ ૩૫૪(બી),૫૦૬(૧) અને ૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેની વિગત મુજબ ગત વર્ષે પોતાના પતી ગુમ થઇ જતા તેણીએ વાડજ પોલીસ દફતરમાં ગુમની જાહેરાત કરી હતી. દસ માસ પૂર્વે આ જાહેરાતનો જવાબ લખાવવા માટે તેણીને પોલીસ દફ્તરથી બોલાવવામાં આવ્યા હતા.
આ વખતે પી.એસ.આઈ. આર.આર.મિશ્રા ચોકી પર આવેલા અને તેણીને મોબાઈલ પર મેસેજ કરીને ચોકીના પાછળના રૂમમાં બેસી, તેણીને હાથથી ઈશારો કરી અને એકાંતમાં મળવા બોલાવ્યા હતા. આરોપી પીએસઆઈએ મહાદેવના મંદિરની સામે આવેલ એપલ વુડ હોટલમાં લઈ જઈ તેઓના કપડાં કાઢી તેની સાથે સાથે જબરદસ્તી બળાત્કારની કોશિશ કરી હતી. જેને લઈને તેણીએ પ્રતિકાર કરી હોટેલ છોડી નાશી ગઈ હતી. ત્યારબાદ અઠવાડિયા પછી આરોપી પી.એસ.આઈ. મિશ્રા તથા પરમારે તેણીને ફરિયાદ નહિ કરવા સમજાવેલ અને ફરિયાદ કરશો તો તેમના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે તેણીએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી ફરિયાદ નોંધવાની માંગણી કરી હતી. પોલીસે આ બાબતે બંને પીએસઆઈ સામે ફરિયાદ નોંધી છે. જેને લઈને અમદાવાદ પોલીસ બેડામાં પણ ચકચાર મચી છે.