ધ્રોલ: જર્જરિત છાત્રાલય ધરાસાઈ, બે બાળકો દબાયા,એકનું મોત

0
986

જામનગર જિલ્લાના ધ્રોલમાં આજે એક સરકારી બંધ ઈમારત તૂટી પડતાં ત્યાં રમી રહેલા દેવીપૂજક પરિવારના બે બાળકો ઈમારતના કાટમાળ હેઠળ દબાયા હતા. જેમાં ૯ વર્ષના બાળક નું મૃત્યુ થયું છે, જ્યારે ૭ વર્ષની બાળકી ને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે.

ધ્રોલમાં નાં આ બનાવ ની વિગત એવી છે કે , ધ્રોલ શહેરના નુરી સ્કૂલ સામે જુની અને જર્જરિત કુમાર છાત્રાલય નો હિસ્સો આજે એકાએક ધરાશયી થઈને પત્તા નાં મહેલ માફક તૂટી પડ્યો હતો .આ સમયે તેજ વિસ્તાર ની ઝુપડપટ્ટીમાં રહેતા કેટલાક બાળકો ત્યાં રમી રહ્યા હતા જે પૈકી દેવી પૂજક શ્રમિક પરિવાર ના બે બાળકો કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા.

આ સમયે ત્યાં હાજર અન્ય બાળકો એ બૂમાબૂમ કરતાં આસપાસ માંથી કેટલાક લોકો દોડી આવ્યા હતા.અને કાટમાળ ખસેડવા ની કામગીરી શરૂ કરી હતી. આ દરમ્યાન બે જે સી બી પણ મંગાવી લેવાયા હતા. અને તાબડતોબ બચાવ કામગીરી કરવામાં આવી હતી. આખરે સેવાભાવીઓ દ્વારા બે બાળકો ને કાટમાળ હેઠળ થી બહાર કઢાયા હતા. જેમાં ગોપાલ હસમુખભાઈ સાડમિયા નામના નવ વર્ષના બાળકનું કાટમાળ નીચે દબાઈ જવાથી મૃત્યુ હતું. જ્યારે તેનીજ સાથે દટાયેલી આરોહી રવિભાઈ પરમાર નામની સાત વર્ષની બાળકીને ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.આ બનાવની જાણ થતાં જ ધ્રોલના પીએસઆઇ પનારા તેમના સ્ટાફ સાથે દોડી ગયા હતા, અને જરૂરી કામગીરી હાથ ધરી હતી. પોલીસે બાળકોના માતા-પિતા વગેરેના નિવેદનો નોંધ્યા છે.

મળતી માહિતી મુજબ જિલ્લાનું તંત્ર હાલ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હોવાથી એક પણ સરકારી વિભાગના અધિકારી કે કર્મચારીઓ આ બનાવ સ્થળે ફરકયા ન હતા. ઉપરાંત નગરપાલિકા નો ફાયરબ્રિગેડનો સ્ટાફ પણ આવ્યો ન હતો. એકમાત્ર પોલીસ અધિકારી સ્ટાફ સાથે પહોંચી મદદમાં જોડાયા હતા. આમ આ બનાવથી દેવીપુજક શ્રમિક પરિવારમાં શોક નું મોજું ફરી વળ્યું છે.

NO COMMENTS