જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે સ્વામીનારાયણ ગેસ્ટહાઉસમાં ક્ધટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. હોસ્પિટલ ખસેડાયેલા ધંધાર્થીના નિવેદન મુજબ પોતાના પર લેણું વધી જતાં દવા પી લઇ જીવતર ટુંકાવવાનો પ્રયાસ કર્યો છે. હાલ હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી છે.
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામે ગોકુલપાર્કમાં રહેતાં ધીરજલાલ નાનજીભાઇ વેગડ (ઉ.વ.68) નામના ક્ધટ્રક્શનના ધંધાર્થીએ ગઇકાલે બપોર બાદ ધ્રોલ તાલુકા મથકે આવેલા સ્વામીનારાયણ ગેસ્ટહાઉસમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવના પગલે તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં. આ બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસે હોસ્પિટલ પહોંચી સારવાર લઇ રહેલાં ક્ધટ્રક્શનના વૃધ્ધ ધંધાર્થીનું નિવેદન નોંધ્યું હતું. પોતાના ધંધામાં ખોટ જતાં લેણું વધી ગયું હોવાથી ક્ધટ્રક્શનનો ધંધો સારો ચાલતો ન હોવાનું વૃધ્ધે નિવેદન લખાવી અવાર-નવાર નબળા વિચારો આવતા હોય, જેને લઇને પોતે જંતુનાશક દવા પી આપઘાત પ્રયાસ કર્યો હોવાનું નિવેદન પોલીસ સમક્ષ વૃધ્ધે આપ્યું હતું. આ બનાવના પગલે ધ્રોલ પંથકમાં અને ખાસ કરીને ક્ધટ્રક્શનના ધંધા અર્થે સંકળાયેલા વર્તુળમાં ચકચાર મચી ગઇ છે.