ધ્રોલ: લાખેણી ઓડીએ ઠોકર મારતા બાઈક ચાલકનું મોત, ઓડીવાળો નાશી ગયો

0
657

જામનગર રાજકોટ ધોરીમાર્ગ પરના ધ્રોલ નજીક આવેલ આશાપુરા હોટલ પાસે પૂર ઝડપે દોડતી એક ઓડી કારે ઠોકર મારતા રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખામટા ગામના મોટરસાયકલ ચાલક એવા યુવાનનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે. આ અકસ્માતના પગલે ઓડી કારનો ચાલક કાર મૂકી નાસી ગયો હતો ધ્રોલ પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર રાજકોટ ધોરીમાર્ગ વધુ એક વખત રક્ત રંજિત થયો છે ગત રાત્રે 9:30 વાગ્યા આસપાસ ધ્રોલથી 18 km દૂર આવેલ જામનગર તરફના ધોરીમાર્ગ પર ફિનોટેક્સ કંપની જવાના રસ્તા પાસે આશાપુરા હોટલ નજીક પૂર ઝડપે દોડી રહેલી એક ઓડીકારે મોટરસાયકલને જોરદાર ઠોકર મારી અકસ્માત નીપજાવ્યો હતો. આ અકસ્માતમાં રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખામટા ગામના મુકેશભાઈ મનસુખભાઈ આસિયાણી નામના પ્રજાપતિ યુવાન મોટરસાયકલ પરથી ફંગોળાઈ ગયા હતા અને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજા પહોંચી હતી, ગંભીર ઈજા પહોંચતા મુકેશભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવના પગલે આરોપી ઓડી કારનો ચાલક કાર મૂકી નાસી ગયો હતો. આ બનાવની ખબર પડતા જ ખામટા ગામે રહેતા મૃતકના નાનાભાઈ હિતેશભાઈ સહિતના પરિવારજનો અને સગા સંબંધીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ધ્રોલ પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી જઈ, પંચનામું કરી, નાસી ગયેલા ઓડી કારના ચાલક સામે હિતેશભાઈની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવના પગલે પ્રજાપતિ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here