દ્વારકા : કોરોનાકાળમાં કમાઈ લેવાની લાલચે ડોકટરે આ રીતે ગુમાવ્યા પોણો કરોડ રૂપિયા

0
737

જામનગર: દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડના એક તબીબે કોરોના કાળમાં કમાવવાની લાલચમાં ઇન્ટરનેશનલ ચીટર ટોળકીએ બીછાવેલ ઈન્ટરનેટની નેટમાં ફસાઈ પોણા કરોડ રૂપિયાથી હાથ ધોઈ નાખ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વેબ સાઈટ પર અમેરિકન કંપનીનો સંપર્ક કરી ભાણવડના ડોક્ટરે માસ્ક અને થર્મોમીટર મંગાવી ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હતું. ચીટર ટોળકીએ ઓર્ડર લખાવવાથી માંડી માલ રવાના કરવા તેમજ જુદા જુદા દેશમાં કસ્ટમ ક્લીયરન્સમાં અટવાયેલ માલને લઈને પોણા કરોડની રકમ સમયાંતરે પડાવી લીધી હોવાનું સામે આવ્યું છે.

લોકોને છેતરામણી જાહેરાતો દ્વારા સીસામાં ઉતારવાની અનેક ઘટનાઓ સામે આવી છે. પરંતુ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ભાણવડ ખાતે પ્રેકટીશ કરતા નીશીત મોદી નામના તબીબે સ્થાનિક સાયબર સેલમાં પોતાની સાથે થયેલ છેતરપીંડી પ્રકરણની અરજી કરી હતી. જેમાં સર્જીકલ પ્રોડક્ટ ગુજરાત નામના વોટ્સએપ ગ્રુપમાં એક જાહેરાત જોઈ અમેરિકાની એક કંપનીની વેબ સાઈટનો અભ્યાસ કર્યો હતો. અને ઓનલાઈન એપ્લીકેશન ટ્રેડ ઇન્ડિયા માંથી ડીજીટલ ઇન્ફ્રારેડ થર્મોમીટર અને ૩એમ માસ્કની ખરીદી માટે પ્રોફાઈલ બનાવી તમામ વિગતો અપલોડ કરી હતી. ત્યારબાદ વોટ્સએપ ગ્રુપમાં જે મોબાઈલ કંપનીનો મોબાઈલ નંબર હતો તેની પર મેસેજ અને વોટ્સએપ કોલ કરી એડ બાબતે ચર્ચા કરી હતી. ત્યારબાદ જે તે કંપની સાથે  તા.૨૬/૪/૨૦૨૦ના રોજ તબીબ નીશીતભાઈએ ૨૫ હજાર ઈન્ફ્રારેડ થર્મોમીટર અને ૫૦ હજાર ૩એમ માસ્કનો ઓર્ડર આપી રૂપિયા ૧.૬૦ લાખ ઓનલાઈન જ જે તે કંપનીના ખાતામાં જમા કરાયા હતા. પ્રથમ ઓર્ડર અમેરિકાથી નીકળી કયા દેશ સુધી પહોચ્યો છે એ જોવા જે તે કંપનીએ ઓર્ડર ટ્રેકની ફેસેલીટી આપી હોવાથી ડોકટરને વિસ્વાસ બેસી ગયો હતો અને બીજા એક કરોડ માસ્કનો ઓર્ડર આપ્યો હતો.

પ્રથમ ઓર્ડર રવાના થયો છે તે પાકિસ્તાનમાં કસ્ટમમાં સલવાઈ ગયો હોવાનું જે તે કંપનીના લોકોએ વોટ્સએપ કોલથી જણાવ્યું હતું જેને લઈને કપનીએ રૂપિયા ૯૮ હજાર અને બીજા ઓર્ડર પેટે વધુ એક લાખ ૭૫ હજારની વસુલી લીધી હતી. ત્યાર પછીના એટલે કે તા.૨૬/૪ થી માંડી ૨૬/૫ સુધીના એક મહિનાના ગાળા દરમિયાન કંપનીના માણસોએ વોટ્સએપ કોલ કરી જુદા જુદા બહાના તળે કુલ રૂપિયા ૭૪,૫૭,૪૦૦ રૂપિયા વસુલી લીધા હતા.

છેવટે માલ બાંગ્લાદેશ કસ્ટમમાં સલવાઈ ગયો હોવાનું કંપનીએ જણાવી વધુ રૂપિયા માંગતા આખરે તબીબે સ્થાનિક સાયબર સેલને જાણ કરી અરજી કરી હતી. પોલીસ તપાસમાં આવી કોઈ કંપની જ નહિ હોવાનું અને નેટમાં ખોટા ટ્રેક રેકોર્ડ ઉભા કરી લીધા હોવાની વિગતો સામે આવી હતી. જેથી તબીબે અમેરિકાની બોગસ કંપની ફ્લોરીડા ઇન્ટરનેશનલ ગ્રુપના સેલ્સ મેનેજર તરીકે ઓળખ આપનાર પ્રેટકોન જેક, નેપાળી એજન્ટ આલમોડા સામે ફરિયાદ નોંધાવી હતી, સેલ્સ મેનેજરનું સાચું નામ પેદ્રો એફ હિપોલીતો હોવાનું સામે આવ્યું છે.  હાલ આ પ્રકરણની  સાયબર સેલ તપાસ ચલાવી રહી છે.

NO COMMENTS