જામનગર : ચોમાસાની સિઝન દરમિયાન ચાલુ વાહન આડે મુક પશુઓ આવી જતા અનેક અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે આ બાબતને ગંભીરતાથી લઇ દ્વારકા પોલીસે સરાહનીય કામગીરી કરી આવા અકસ્માત નિવારવા તરફ એક કદમ આગળ ભર્યું છે. જે અન્ય જિલ્લાના પોલીસ વિભાગને નવો રાહ ચીંઘનારું બની રહેશે.
વરસાદના કારણે જમીન પર રહેવું મુશ્કેલ બનતા રખડતા અનેક મુક પશુઓ જાહેર માર્ગ પર અડિંગો જમાવી દેતા હોય છે આવા પશુઓના કારણે અનેક ફેટલ અકસ્માતો સર્જાતા આવ્યા છે. ત્યારે અકસ્માતનું પ્રમાણ અટકાવવા દ્વારકા ટ્રાફિક પોલિસ દ્વારા તાજેતરમાં સરાહનીય કામગીરી શરૂ કરવામાં આવી છે. જે મુજબ, દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જિલ્લામાં રખડતા પશુઓને સીંગડે રેડિયમ લગાડવા આવી રહ્યા છે. જેથી રાત્રીના સમયે આ રેડિયમની ચમક સામે આવતા જ વાહન ચાલક અગાઉથી જ સચેત બની જાય છે અને અકસ્માત નિવારી શકાય છે. પોલીસ દ્વારા એક સુંદર કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં જિલ્લામાં રાત્રીમાં પશુઓ અકસ્માતમાં મોતને ભેટી રહ્યા છે ત્યારે ટ્રાફિક પોલીસ અધિકારી કવિતા ઠાકરિયા અને તેની ટીમ દ્વારા એક સુંદર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્ય દ્વારા રાત્રીના સમયે વાહનો ચાલકોને પશુઓના સિંગ પર લાગેલા રેડિયમને દૂરથી જ નિહાળી સચેત બની જાય છે. જેથી અકસ્માત નિવારી શકાય અને મૂંગા પશુઓના જીવ પણ બચી શકાય ત્યારે ટ્રાફિક પોલીસના સકારાત્મક કાર્યની હાલ જિલ્લાવાસીઓ પ્રશંસા કરી રહ્યા છે. ટ્રાફિક પોલીસનું આ સરાહનીય કાર્ય અન્ય જિલ્લા પોલીસ માટે પણ પથદર્શક બની રહેશે. જામનગર સહિત અન્ય જિલ્લાઓમાં મુક પશુના કારણે અકસ્માતનો દર વધી રહ્યો છે ત્યારે દ્વારકા પોલીસની આ કામગીરી અપનાવી માર્ગ અકસ્માત ઘટાડવા આગળ આવવું જોઉએ.