જળબંબાકાર-2 : કલ્યાણપુર-દ્વારકામાં રાત્રે આભ ફાટ્યુ, ૮ થી સાડા ૯ ઇંચ વરસાદ

0
832

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં મેઘરાજાની કૃપા ગઈ કાલે અતિવૃષ્ટિમાં તબદીલ થઇ હતી. સાંજે ખંભાળિયામાં આભ ફાટ્યા બાદ મોડી રાત્રે આવો મંજર દ્વારકામાં જોવા મળ્યો હતો. દ્વારકામાં રાત્રે સાંબેલાધાર નવ ઇંચ વરસાદ વરસી જતા પાણી પાણી થઇ ગયું હતું. જયારે કલ્યાણપુરમાં પણ મોડી રાત્રે આઠ ઇંચ વરસાદ વરસી જતા સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જયારે ખામ્ભાલીયામાં એક અને ભાણવડમાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ગઈ કાલ બપોર સુધી મેઘ મહેર કાચા સોના સમાન બની રહી હતી. પરંતુ સાંજ પડતા જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર જીલ્લામાં અતિવૃષ્ટિ નિર્માણ પામી હતી. ખંભાલીયા અને તેની આસપાસના સલાયા સહિતના ગામડાઓમાં સાંજે બાર થી પંદર ઇંચ વરસાદ પડી જતા સમગ્ર વિસ્તાર બેટમાં તબદીલ થયો હતો. આ જ સિલસિલો મોડી રાત્રે પણ અવિરત રહ્યો હતો, રાત્રે ખંભાલીયામાં તો મેઘરાજાએ ખમૈયા કરી દેતા શહેરીજનોની સાથે પ્રસાસનને નિરાંત થઇ હતી, પરંતુ આ જ મેઘ તાંડવ છેક કલ્યાણપુર અને દ્વારકા સુધી લંબાયું હતું.

દ્વારકામાં મોડી રાત્રે અતિવૃષ્ટિ થવા પામી હતી. ખંભાલીયા જેવું જ રૌદ્ર સ્વરૂપ અહી પણ જોવા મળ્યું હતું. દ્વારકામાં મોડી રાત્રે દસથી ચાર વાગ્યા દરમિયાન સાડા નવ ઇંચ વરસાદ પડી ગયો હતો. જયારે કલ્યાણપુરમાં પણ એ જ સ્થિતિ થવા પામી હતી અહી પણ રાત્રે દશ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીમાં આઠ ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને લઈને બંને તાલુકાઓ પણ બેટમાં ફેરવાઈ ગયા હતા. બંને તાલુકાનાં તમામ નદીનાળા બે કાઠે થયા હતા. તો દ્વારકામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

બીજી તરફ ભાણવડમાં પણ રાત્રે મેઘારાજાની સટાસટી જોવા મળી હતી. ભાણવડમાં પણ રાત્રે સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. આમ સમગ્ર દ્વારકામાં અતિવૃષ્ટિ થતા ઉગીને ઉભા થયેલ ખરીફ પાક પૈકી મગફળી અને કપાસ ધોવાઈ ગયો હોવાની પણ અનેક ગામડાઓમાંથી ફરિયાદો મળી છે. હવે મેઘરાજા ખમૈયા કરે એમ સમગ્ર જીલ્લાવાસીઓ મેઘરાજને પ્રાર્થના કરી રહ્યા છે.

NO COMMENTS