જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના બામણાસા ગામે ઢોર ચરાવવા સીમ વિસ્તારમાં ગયેલ બે સગાભાઈઓ ચેક ડેમમાં ગરકાવ થઇ જતા પરિવાર પર આભ ફાટ્યું છે. એક ભાઈનો મૃતદેહ ચેકડેમ અંદરથી મળી આવ્યો છે જયારે અન્યની શોધખોળ માટે એનડીઆરએફની ટીમ જોતરાઈ છે.
જામ કલ્યાણપુર તાલુકાના બામણાસા ગામે રહેતા ક્ષત્રીય પરિવારના દસરથસિંહ નારૂભા વાઢેર ઉવ ૪૫ અને અજીતસિંહ નારૂભા વાઢેર ઉવ ૩૨ નામના બંને ભાઈઓ સવારે પોતાના પશુ-ઢોર ચરાવવા સીમ વિસ્તારમાં ગયા હતા. દરમિયાન ગામ નજીકના ચેકડેમમાં પાણી પીવા માટે કિનારે ગયેલ જ્યાં એક પછી એક એમ બંને લપસી જતા અંદર ચેકડેમમાં પડી ગયા હતા. આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા સ્થળ પર પહોચી બચાવ કામગીરી હાથ ધરી હતી. જો કે બે પૈકી એક ભાઈનો મૃતદેહ અંદરથી મળ્યો હતો જયારે અન્ય યુવાન વેણમાં તણાઈ જતા લાપતા બન્યો હતો. આ બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા.
આ ઘટના અંગે જાણ કરવામાં આવતા રાવલ રહેલ એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી હતી. અત્યારે લખાય છે ત્યારે એનડીઆરએફની ટીમ દ્વારા હજુ એક યુવાનની શોધખોળ ચાલી રહી છે. આ બનાવના પગલે ક્ષત્રીય પરિવાર તેમજ નાના એવા બામણાસા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.