જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના બહુચર્ચિત બોકસાઈટ ચોરીને ડામી દેવા માટે કલેકટર દ્વારા સરકારી કચેરીઓની મૂળભૂત જવાબદારીઓ ફિક્સ કરી છે. જેમાં સરપંચથી માંડી જે તે જમીનની માલિકી ધરાવનાર સરકારી તંત્ર સામે પણ કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં બોક્સાઈટ ચોરી અટકાવવા કલેકટર દ્વારા વધુ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં હાલ તાલુકા અને જીલ્લા સ્તરે ગ્રીવેન્સ રીડ્રેસલ કમિટી દ્વારા ગેર કાયદેસર ખનન, સંગ્રહ બાબતે માત્ર ખાણ-ખનીજ કે કલેકટર કચેરીએ કાર્યવાહી કરવા પત્ર વ્યવહાર કરવામાં આવતો હતો. આ કાર્યવાહીને કલેકટર દ્વારા ગેરવ્યાજબી ગણવામાં આવી છે. પરંતુ આવી ફરિયાદ મળ્યા બાદ જે તે વિભાગને તાત્કાલિક સ્થળતપાસ હાથ ધરી ગેર કાયદેસર ખનન, ખનીજમાં વપરાતી મશીનરી/સંડોવાયેલ ઈસમોની અટકાયત કરી તે બાબતે રોજકામ અને પંચરોજ કામ કર્યા બાદ યોગ્ય કાર્યવાહી માટે ખાણ-ખનીજ ખાતાને લેખિતમાં જાણ કરવામાં આવે તો આ બાબતે બિનઅધિકૃત ખાણકામ અંકુશમાં લાવી શકાય એવો મત કલેકટર દ્વારા પત્રમાં રજુ કરવામાં આવ્યો છે.
કોઈ પણ ગામમાં ખનીજ ઉત્ખનન અને સંગ્રહને રોકવા અંગેની પ્રાથમિક જવાબદારી ગામના તલાટી કમ મંત્રી/રેવન્યુ તલાટીની અને સરપંચની થાય છે. જેને લઈને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ બંને જવાબદાર દ્વારા લગત સરકારી કચેરીનો સંપર્ક કરી તાત્કાલીક જાણ કરવા અને જે તે ખન્ન અંગેની વિગતો પણ પૂરી પાડવા આદેશ કરવામાં આવ્યો છે. જો આવી બાબતે બેદરકારી દાખવવામાં આવશે તો તલાટી કે સરપંચ સામે પગલા ભરવામાં આવશે. ઉપરાંત સરપંચને પદ પરથી દુર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ ઉપરાંત ખનીજ ખનન અને ચોરી અટકાવવા લગત સરકારી વિભાગોની પણ જવાબદારી નક્કી કરવામાં આવી છે. જેમાં સરકારી જમીનમાં મામલતદાર, ગૌચર જમીન માટે ટીડીઓ, જંગલ વિસ્તાર માટે આરએફઓ અને સિંચાઈ હેઠળની જમીન માટે નાયબ કાર્યપાલક ઈજનેરની જવાબદારી ફિક્સ કરવામાં આવી છે.