દ્વારકા- પોરબંદર ધોરી માર્ગ પર કુરંગા ગામે આવેલ આરએસપીએલ- ઘડી કંપની દ્વારા વધુ ચાર પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. આ એકમો માટે આજે કુરંગા ખાતે લોક સુનાવણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જો કે હાલ કાર્યરત જે જુદા જુદા એકમો છે તેને લઈને પણ કુરંગા તેમજ આજુબાજુના અનેક ગામડાઓ પરેશાન છે સાથે સાથે કંપનીના જેરી કેમિકલને કારણે અનેક ખેડૂતોની જમીન બંજર થયાની ફરિયાદો ઉઠી છે. કંપનીના પ્રદુષણને જીપીસીબી દ્વારા પણ સમર્થન મળ્યું છે ત્યારે કંપની વધુ પ્લાન્ટ ઉભા કરે તે પૂર્વે પડતર પ્રશ્નો છે તેનો નિકાલ જરૂરી બન્યો છે. અન્યથા વધુ એકમ શરુ થયા બાદ વધુ પ્રદુષણ થશે જ એમાં બે મત નથી. કુરંગા ગ્રામ પંચાયત તેમજ આજુબાજુના દસ ગામડાઓના ગ્રામજનો દ્વારા હયાત પ્રોજેક્ટ અને સંભવિત પ્રોજેક્ટને લઈને ઉચ્ચ સ્તરે અરજીઓ કરી પ્રતિકુળ અસરો અને ગંભીર ભય સ્થાનો અંગે રજૂઆત કરવામાં આવી છે.
દ્વારકા નજીકના કુરંગા ગામે આવેલ આરએસપીએલ કંપની દ્વારા સોદા એસના કેમિકલ પ્લાન્ટ દ્વારા નિયમો નેવે મુકીને પ્લાન્ટ ચલાવવામાં આવતો હોવાની અનેક ફરિયાદો ઉઠતી રહી છે. પ્રદુષણ નિયંત્રણ બોર્ડના નિયમોને નેવે મુકીને કંપની દ્વારા ભયંકર પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું છે. જેને લઈને કંપની પાસે જ આવેલ આસામી બાલુભા કેરની ખેતીની જમીન બંજર થઇ ચુકી છે. કુવાનું પાણી કેમિકલ યુક્ત ઝેર બની ગયું છે. જમીનની ફળદ્રુપતા વિહોણી બની ગઈ છે. સોડા એસ પ્લાન્ટ ચલાવવા બહારથી મંગાવવામાં આવતો લાખો ટન લાઈમ સ્ટોનને ચક્કીઓમાં પીસી ખુલ્લેઆમ ડસ્ટ બનાવી વાતાવરણને પ્રદુષિત કરવામાં આવી રહ્યુ છે. લાઈમ સ્ટોન સ્ટોરેજ કે ડસ્ટ માટે કોઈ ગોડાઉનની વ્યવસ્થા નથી. જેરી ડસ્ટ બાલુભાની અને આજુબાજુની ખેતીની જમીનમાં પથરાઈ ગયેલ છે. ડસ્ટના પ્રદુષણના કારણે અનેક પશુ પક્ષીઓના મોત થયા છે. આ બાબતે છેલ્લા પાંચ વર્ષમાં સ્થાનિક પ્રસાસન અને જીપીસીબીને પુરાવાઓ સાથે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. આ બાબતે જીપીસીબી દ્વારા કંપનીને નોટીસ પણ ફટકારવામાં આવી છે. પરંતુ પ્રસાસન અને કંપનીની મિલીભગતથી ગંભીર સમસ્યા હજુ યથાવત છે.
આ ઉપરાંત સોડા એસ એકમ ચલાવવા માટે હજારો ટન કોલસી અન્ય જગ્યાએથી અહી આયાત કરવી પડે છે. આ કોલસીનો જથ્થાને સંગ્રહિત કરવા કોઈ ગોડાઉન નથી. કોલસીનો જથ્થો ખેડૂતના ખેતરોની બાજુમાં ખુલ્લામાં રાખવામાં આવે છે. કોલસીને ડસ્ટમાં રૂપાંતર કરતી વખતે તેમજ ખુલ્લામાં રાખવામાં આવે ત્યારે તેના રજકણો ખેતરમાં પથરાતા ખેતરને નુકસાની પહોચી છે.
તેમજ કંપની દ્વારા ઉત્પાદન કરવામાટે જરૂરી દરિયાઈ પાણી લઇ આવવા અને ઉત્પાદન કાર્ય પૂર્ણ થતા બચેલા કેમીકલ યુક્ત અતિ ભયંકર દુષિત પાણીની કેનાલ માંથી પાણી આજુબાજુ ની જમીનમાં પઠરાતા જમીન પર પ્રતિકુળ અશર ઉભી થવા પામી છે. ત્યારે નવા પ્રોજેક્ટને મંજુરી આપવામાં ન આવે એવી માંગણી સાથે બાલુભા કેરએ જીપીસીબીના ચેરમેન, સભ્ય સચિવ ડીએમ ઠાકુર, મીનીસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાયમેન્ટ ચેન્જ દિલ્લી, દ્વારકા જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, તાલુકા વિકાસ અધિકારી અને જીપીસીબી તેમજ પર્યાવરણ વન અને જળવાયું પરિવર્તન મંત્રાલય સમક્ષ રજૂઆત કરી છે.
આજે કંપની ખાતે સરકારના જુદા જુદા વિભાગોના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નવા સૂચિત પ્રોજેકટ જેમાં ડેન્સ સોડા ૧૫૦૦ ટીડીપી, ૫૦ અને ૬૭ મેગા વોટના બે પાવર પ્લાન્ટ, ૪૦૦ ટીડીપીનો રીફાઈન બાય કાર્બોનેટ પ્લાન્ટ, ૪૫૦ ટીપીએચ થી ૬૦૦ ટીપીએચનો સોડા એસ પ્લાન્ટ ઉભા કરવા માટે પબ્લિક હિયરીંગ રાખવામાં આવ્યું છે. ત્યારે આજે સ્થાનિક ખેડૂતો, કુરંગા ગ્રામ પંચાયત અને આજુબાજુના દસ ગામના પ્રભાવિત ખેડૂતો દ્વારા પ્લાન્ટને લઈને વિરોધી સૂચનોનો વરસાદ કરવામાં આવશે.