ચૂંટણી પંચ, નવી દિલ્હીની સુચનાથી બેંગ્લોરના નિષ્ણાંત ઇજનેરોની ટીમ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર એમ-૩ પ્રકારના કુલ-૩,૫૫૫ ઇવીએમ, વીવીપેટની ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરી દેવભૂમિ દ્વારકાના જિલ્લા કક્ષાના વેરહાઉસ ખાતે હાથ ધરવામાં આવશે.
બેંગ્લોરની બી.ઇ.એલ.કંપનીના નિષ્ણાંત ઇજનેરોની ટીમ દેવભૂમિ દ્વારકામાં લાલપુર બાયપાસ રોડ ખાતે આવેલ જિલ્લા સેવા સદનના વેરહાઉસમાં વિધાનસભાની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર ઇવીએમ, વીવીપેટની ચકાસણી ચૂંટણીપંચની સુચનાનુસાર કરાશે. દેવભૂમિ દ્વારકામાં આ કામગીરી તા.૦૧/૦૮/૨૦૨૨ થી તા.૧૪/૦૮/૨૦૨૨(અથવા વધુ દિવસો)સુધી, સમય સવારના ૦૯:૦૦ કલાકથી સાંજના ૦૭:૦૦ કલાક સુધી હાથ ધરવામાં આવશે. આ બાબતે માન્ય રાજકીય પક્ષોને પત્રથી જાણ કરી તેમના અધિકૃત કરેલ પ્રતિનિધિઓને સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન હાજર રહેવા જણાવાયું છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરના નિરિક્ષણ હેઠળ આ પ્રક્રિયા હાથ ધરાશે. ચેકિંગ દરમિયાન અધિકૃત અધિકારી,કર્મચારી અને માન્ય રાજકીય પક્ષોના અધિકૃત પ્રતિનિધિઓને ઇસ્યુ કરાયેલ ID કાર્ડ રજુ કર્યેથી જ પ્રવેશ અપાશે. જ્યારે આ કામગીરી કરનાર કર્મચારી, અધિકારીઓ માટે મોબાઈલ એપથી ડેટા એન્ટ્રી માટે મોબાઈલ સિવાય અન્ય કોઇપણ પ્રકારના મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક ઉપકરણ પ્રતિબંધિત રહેશે. પ્રવેશ દ્વાર પોલીસ તંત્ર દ્વારા મેટલ ડિટેકટર દ્વારા ફ્રિસ્કીંગ કરીને જ પ્રવેશ અપાશે. વેરહાઉસ, સ્ટ્રોંગરૂમ સ્થળે ૨૪ કલાક પોલીસ બંદોબસ્ત રહેશે. પ્રક્રિયાનું ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી નિહાળી શકે તે રીતે વેબકાસ્ટિંગ કરવામાં આવશે તેમ દેવભૂમિ દ્વારકાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવેલ છે.