દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અપમૃત્યુનો વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જેમાં ખંભાળિયા નજીક દેવળીયા ગામે આવેલી નયારા કંપનીમાં યોજાયેલ રનીંગ સ્પર્ધામાં દોડતી વખતે ચક્કર આવતા, પડી ગયેલા રાજસ્થાનના એક યુવાનનું લાંબી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું છે. આ બનાવને લઈને પોલીસ દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાંથી અપમૃત્યુનો એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે આ બનાવ વિશ્વની નામના ધરાવતી નાયરા કંપનીમાં બન્યો છે. જેની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના દેવળીયા ગામે આવેલ નાયરા કંપનીની અંદર ગત તારીખ 18/6/2022 ના રોજ બપોરે કંપની અંદર રનીંગ હરીફાઈ યોજવામાં આવી હતી. આ હરીફાઈમાં અનેક યુવાનોએ ભાગ લીધો હતો. જેમાં યુવાન લોકેશ સત્યનારાયણભાઈ નારંગ નામના યુવાને પણ ભાગ લીધો હતો. મૂળ રાજસ્થાનના છસરા જિલ્લાના ખેડડા ગામના અને હાલ દેવડીયા ગામે રહેતા લોકેશ નારંગને હરીફાઈમાં દોડતી વખતે ચક્કર આવી ગયા હતા.
દરમિયાન આ યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં લાંબી સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકની સાથે જ કામ કરતા તેના ભાઈ અમૃતભાઈ નારંગે જાણ કરતા ખંભાળિયા પોલીસ સ્ટાફે આ બનાવ અંગે વિધિવત ફરિયાદ દાખલ કરી છે.નાયરા કંપની અંદરના વિસ્તારમાં યોજાયેલ સ્પર્ધા દરમિયાન ઘટેલી ઘટના અંગે પોલીસે વિસ્તારથી તપાસ હાથ ધરી છે