જીવલેણ ઉનાળો: કાળજાળ ગરમી વચ્ચે બેશુદ્ધ અને હાર્ટએટેકથી ત્રણના મોત

0
561

જામનગર: હાલ કાળજાળ ગરમી પડી રહી છે. ઉનાળાનો અંતિમ ભાગ અસહ્ય બનતો જાય છે. ઉપરતી વરસતા તાપ વચ્ચે જનજીવન પર માઠી અસર જન્માવી છે. છેલ્લા એક માસમાં બેસુધ્ધ થઇ જવા અને હાર્ટ એટેકના કારણે મૃત્યુ દરમાં વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જામનગર શહેર સહીત જીલ્લાભરમાં ત્રણ મૃત્યુ થયા છે. જામનગર શહેર-આલિયાબાડા તેમજ કાલાવડ તાલુકાના ભંગડા ગામમાં ગરમીના કારણે ત્રણ વ્યક્તિના હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નિપજ્યાના સમાચાર છે..

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતા સતિષભાઈ દામજીભાઈ બુસા નામના 54 વર્ષના આધેડ કે જેઓ ગરમીના કારણે એકાએક બેશુદ્ધ બન્યા હતા, અને તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી તેઓનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબ દ્વારા જાહેર કરાયું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર ધવલભાઈએ પોલીસમાં નિવેદન લખાવ્યું હતું. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયારે જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રહેતા પ્રવીણભાઈ નારણભાઈ જાદવ નામના 45 વર્ષના યુવાનને ગઈકાલે સવારે દસેક વાગ્યા આસપાસ પોતાના ઘેરથી નીકળીને બાડા ગામે ગયા પછી એકાએક બેભાન બન્યા હતા, અને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તબિબ દ્વારા તેઓનું હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું છે.

જયારે કાલાવડ તાલુકાના ભંગડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પ્રફુલસિંહ પ્રવિણસિંહ જાડેજા નામના 62 વર્ષના ખેડૂત ગઈકાલે બપોરે 12.00 વાગ્યાના અરસામાં ગરમીના કારણે બેશુદ્ધ બની ગયા હતા, અને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે હૃદય રોગનો હુમલો આવી ગયો હોવાથી મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કરાયું હતું. જે મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ તપાસ ચલાવે છે.

NO COMMENTS