જામનગર : જીલ્લામાં આજે પોલીસની આડમાં સરકારે કોંગ્રેસના બે કાયક્રમોને દબાવી દેવાના પ્રયાસ કર્યો હોવાનો ખુદ કોંગ્રેસ આક્ષેપ લગાવી રહી છે. જામનગરમાં કોગ્રેસ દ્વારા યોજાયેલ તિરંગા યાત્રા અને જામજોધપુરમાં કોંગ્રેસ દ્વારા જ યોજાયેલ ખેડૂત આંદોલનને સમર્થન આપતી ટ્રેક્ટર રેલી, આ બન્ને કાર્યક્રમોમાં પોલીસ આડખીલી રૂપ બની બંને પ્રોગ્રામમાં વ્યસ્ત કોંગ્રેસી કાર્યકરોને પોલીસે કચડી નાખી મોટા નેતા-કાર્યકરોની અટકાયત કરી છે. લોકશાહીમાં વિરોધનો અધિકાર છે ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલ દમનને કોગ્રેસી નેતાઓએ લોકશાહીનું હનન ગણાવ્યું છે.
જામનગરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આજે કોંગ્રેસ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર કાર્યલાયની સામે ધ્વજવંદન કરાયા બાદ, લીમડા લાઇન ખાતે એકત્ર થયેલ કોંગ્રેસી કાર્યકરોએ હાથમાં તિરંગા અને બેનરો લઇ યાત્રાનું પ્રસ્થાન કર્યુ હતું. દેશભકિતના નારા સાથે આગળ વધી રહેલ આ યાત્રા દરમ્યાન પોલીસે ટાઉનહોલ પાસે યાત્રાને રોકાવી હતી. કોંગ્રેસી કાર્યકરોએ લોકશાહી પૂર્વકની ઉજવણી હોવાનું કહી ફરી આગળ વધતા પોલીસે ચેતવણી આપી હતી. જેને અવગણવામાં આવતા પોલીસ દ્વારા તિરંગા યાત્રામાં સામેલ જીલ્લા-શહેર કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભારવડીયા અને દિગુભા જાડેજા સહિતના મહિલા કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી અને પોલીસે વાહનોમાં બેસાડી પોલીસ દફતર લઇ જવામાં આવ્યા હતા.
બીજી તરફ દિલ્લીના દરવાજે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. આજે પ્રજાસતાક પર્વની દિલ્લી ખાતે ઉજવણીની સામે જ ખેડૂતોએ પણ ટ્રેક્ટર પરેડ યોજી ખેડૂતોનું મનોબળ વધારવા અને સહકાર આપવા માટે આજે જામનગરનાં જામજોધપુર ખાતે ટ્રેક્ટર વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લા પંચાયતના સદસ્ય હેમત ખવાની આગેવાની નીચે યોજાયેલ આ રેલીએ પ્રસ્થાન કર્યું ત્યાં જ પોલીસે રોકાવી લીધી હતી.રેલીમાં આવેલ ખેડૂતોને ડીટેઈન કરવાની કાર્યવાહી કરી હતી. ખેડૂતોએ પોલીસની લોકશાહી વિરોધની નીતિને ખેડૂતોએ વખોળી કાઢી હતી.