જામનગર : છેલ્લા એક વર્ષથી કોરોનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. એમાય છેલ્લા એક મહિનાથી તો કોરોનાએ અનેક પરિવારના માળા વીખી નાખ્યા છે. અનેક પરિવારોને બેસહારા કરી દીધા છે. આવો જ એક બનાવ જામનગરમાંથી સામે આવ્યો છે. બેડી વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ બુજુર્ગના બંને જુવાન જોધ પુત્રોને માત્ર ૨૪ કલાકના અંતરે કોરોના અને ન્યુમોનિયા ભરખી ગયો છે. બંને પુત્રોના મૃત્યુના પગલે વૃદ્ધની વૃધાવસ્થાનો સહારો ચાલ્યો જતા સમગ્ર શહેરમાં શોક છવાયો છે.
શહેરના બેડી વિસ્તારમાં રહેતા ઇસાકભાઈ કેરના પુત્ર ખાલીદ કેર ઉવ ૩૫ બીમાર પડતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તે પોઝીટીવ આવતા જીજીની કોવીડ હોસ્પિટલના કોવીડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેઓની તબિયત સતત બગડતી ગઈ અને કલાકોના ગાળામાં જ ખાલીદે અંતિમ શ્વાસ ભર્યા, યુવાન પુત્રના મૃત્યુના પગલે કેર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ભારે હૃદયે પરિવાર જનોએ આ યુવાનની દફનવિધિ પૂર્ણ કરી ત્યાં અન્ય પુત્ર હુસેન ઉવ ૩૨ બીમાર પડ્યો, આ યુવાનને પણ જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ન્યુમોનિયાની અસર થઈ હોવાના તબીબોના અભિપ્રાય બાદ તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. રવિવારે દાખલ કરાયેલ આ યુવાન પણ સોમવારે બપોરે મૃત્યુ પામતા પરિવાર અને ખાસ કરીને તેના વૃદ્ધ પિતા પર આભ ફાટી પડ્યું હતું. મૃત્યુ પૂર્વેના દોઢ કલાક પૂર્વે જ હુશેને તેના પિતા સાથે ફોનમાં વાત કરી તબિયત સારી હોવાનું કહ્યું હતું. જેને લઈને પરિવારને ધરપત થઇ હતી. પરિવાર ખાલીદના મૃત્યુના મરસિયામાંથી બહાર આવે તે પૂર્વે જ હુસેનના મૃત્યુ નીપજયાના સમાચારે વૃદ્ધ પિતાને હચબચાવી મુક્યા હતા. એક એક દિવસના અંતરે બંને પુત્રોના મૃત્યુને લઈને પરિવારમાં શોક બેવડાઈ ગયો છે. કુદરતની કારમી થપાટના પગલે વૃદ્ધ પિતાની વૃદ્ધાવસ્થાની બંને લાકડી છીનવાઈ જતા પિતાએ આક્રદ કર્યો હતો.