કચ્છના ભુજ તાલુકાના સુખપર ગામે બુધવારે એક મહિલાની થયેલી કરપીણ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. મૃતક મહિલાના સગીર પુત્રીએ તેના પાડોશી પ્રેમીને પામવા માટે તેની સાથે મળી સગી જનેતાની હત્યા નીપજાવવા સહકાર આપ્યો હોવાની વિગતો સામે આવી છે. પોલીસે હત્યા નીપજાવનાર સગીરા અને તેના પ્રેમી સહિત ત્રણ શાખ્સોની ધરપકડ કરી છે.
પ્રેમ પ્રકરણમાં એકાકાર થઇ ગયેલા અનેક યુવક યુવતીઓએ પોતાના પરિવારના સભ્યોને રહેશી નાખ્યાના અનેક બનાવો બન્યા છે. ત્યારે આવો જ એક બનાવ ભુજ તાલુકાના સુખપર ગામેથી સામે આવ્યો છે. ગત બુધવારના રોજ સુખપર ગામે રહેતા વિજયાબેન પ્રવીણભાઈ ભૂંડીયા ઉ.વ.૩૫ નામની મહિલાને તેના જ ઘરમાં કોઈ શખ્સોએ કરપીણ હત્યા કરી હોવાની તેની ૧૭ વર્ષીય પુત્રીએ પોલીસમાં જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ લોહીથી લથબથ હાલતમાં બેડ ઉપર પડેલ મહિલાનો મૃતદેહ કબ્જે કર્યો હતો. મૃતકની પુત્રીન જણાવ્યા અનુસાર પોતે ધો.૧૨માં અભ્યાસ કરતી હોવાનું અને ઘટના સમયે પોતે ટ્યુશન ક્લાસમાં ગઈ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જો કે પોલીસને ઘર માંથી કચરા ટોપલીમાં પડેલ એક કાગળમાં સોનું…સોનું…સોનું.. લખેલ એક કાપલી મળી આવી હતી જેના અનુસંધાને પોલીસે સગીરાની પુછપરછ કરતા સમગ્ર બનાવ સામે આવ્યો હતો. પડોશમાં રહેતા સુનીલ ઉર્ફે સોનું રમેશભાઈ જોશી નામના યુવક સાથે પોતાને પ્રેમસબંધ હોવાની અને આ સબંધમાં માતા આડખીલીરૂપ બનતા હોવાથી માતાને પતાવી દેવાનો પ્લાન સામે આવ્યો છે. જે મુજબ ઘટનાના દિવસે સગીરાના પ્રેમી સુનીલ અને તેનો મિત્ર આનંદ જગદીશભાઈ સુથાર સગીરાના ઘરે આવ્યા હતા અને તેની માતાની હત્યા નીપજાવી નાશી ગયા હતા. ત્યારબાદ સગીરાએ લોહીથી લથપથ દીવાલને સાફ કરી તે કપડું દુર દુર ફેંકી આવી હતી અને આ બનાવ અંગે પોલીસને જાણ કરી હત. ઘટના ઘટી હતી ત્યારે સગીરાના પિતા નોકરી પર ગયા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે હાલ સગીરાના પ્રેમી અને તેની મદદ કરનાર મિત્રની ધરપકડ કરી લેવામાં આવી છે.