જામનગર : વ્યારા ખાતે નાયબ બાગાયત નિયામકની કચેરીમાં બાગાયત અધિકારી તરીકે ફરજ બજાવતા વર્ગ બે અધિકારી અનિક વચેટીયાને એસીબીએ રૂપિયા 40 હજાર સાથે પકડી પાડ્યા છે. ખેતરમાં પેકીંગ હાઉસ બનાવવા માટે કરેલ અરજી બાદ સબસીડી પાસ કરવા માટે લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે. એસીબીએ બંનેની ધરપકડ કરી છે.
તાપી જિલ્લાના વ્યારા ખાતે રહેતા એક આસામીએ તથા તેના મિત્રએ પોતાના ખેતરમાં પેકીંગ હાઉસ બનાવવા માટે નાયબ બાગાયત નિયામકની કચેરીમાં અરજી કરેલ, જે પેકીંગ હાઉસ બનાવવા માટે જે ખર્ચ થાય તેના ૫૦ ટકા રકમની સરકાર સબસીડી આપે છે. જેમાં બંનેને બબ્બે લાખ સબસીડી મંજુર થયેલ, જે મંજુર કરાવી આપવામાં બાગાયત અધિકારી તરીકે ફરજ બજાવતા વર્ગ બે અધિકારી પરિક્ષિતભાઇ પ્રકાશભાઇ ચૌધરીએ બન્ને પાસેથી મળી કુલ રૂ.૫૦,૦૦૦ની લાંચની માંગણી કરેલ, જોકે બંને પક્ષે રકઝક બાદ આ રૂ.૪૦,૦૦૦માં સોદો ફાઇનલ થયો હતો. જો કે બંને અરજદારો પૈસા આપવા માંગતા ન હોય તેથી એક અરજદારના પુત્રે એસીબીમાં ફરિઉદ્દ કરી હતી. જેના અનુસંધાને આજે એસીબીએ લાંચના છટકુ ગોઠવ્યું હતું. વ્યારામાં વિરપુર રેલ્વે ક્રોસીંગ પાસે આવેલ ખેતેશ્ર્વર હોટલમાં ટ્રેપ ગોઠવાઈ હતી. જેમાં બાગાયત અધિકારીએ નરેન્દ્ર ઉર્ફે નન્દુ ભીલાભાઇ ગામીત નામના વચેટીયાને હોટેલ પર મૂકી રૂપિયા 40 હજારની લાંચ લેતા પકડી પાડ્યો હતો. છટકું સફળ રહયા બાદ એસીબીએ તુરંત બાગાયત અધિકારીની ધરપકડ કરી લીધી હતી. આવતીકાલે બંનેને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે.