જામનગર : ગુજરાત રાજ્ય માહિતી ખાતા દ્વારા તાજેતરમાં લેવાયેલ ક્લાસ વન ટુના ઈન્ટરવ્યુંમાં ઉમેદવારો સાથે કરવામાં આવેલ પક્ષ પાતને લઈને હાઈકોર્ટે ભરતી પ્રક્રિયા પર સ્ટે લગાવ્યો છે. કુલ ૨૩ જગ્યાઓ માટે લેવાયેલ ઈન્ટરવ્યું બાદ મેરીટ પણ જાહેર કરી દેવાયું છે. હવે માત્ર ઓર્ડર કાઢવાની જ પ્રક્રી બાકી છે ત્યાં જ ભરતી પ્રક્રિયાને હાઈકોર્ટમાં ચેલેન્જ આપવામાં આવતા ભરતી પ્રક્રિયાને લઈને સરકારની વધુ એક મુશ્કેલી વધી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષા બાદ માહિતી ખાતાની ભરતી પ્રક્રિયા વિવાદમાં આવી છે. ક્લાસ વન, ટુ અને થ્રી માટે તાજેતરમાં મુખ્ય પરીક્ષાનું અમદવાદમાં આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન માહિતી ખાતા દ્વારા ક્લાસ વન અને ટુની ૨૩ જગ્યાઓ માટે પરિણામ જાહેર કરાયું હતું. જેમાં પાસ થયેલ ઉમેદવારોના ડોકયુમેન્ટ વેરીફીકેશન કરવામાં આવ્યું હતું. આ પ્રક્રીયામાં પસદંગી પામેલ ઉમેદવારોના ઈન્ટરવ્યું લેવાયા હતા. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેરીટ યાદી જાહેર કરી દેવામાં આવી હતી. આ યાદી સામે આવતા જ ભરતી પ્રક્રિયામાં સામે ઉમેદવારોમાં કચવાટ ઉભો થયો હતો. ઈન્ટરવ્યુંના પ્રથમ દિવસે પાંચ સભ્યોની ટીમ દ્વારા ઉમેદવારોની કસોટી લેવામાં આવી ત્યારબાદ ત્રીજા-ચોથા દિવસે પેનલના સભ્યોની સંખ્યા ઓછી થઇ ગઈ, જે નિયમની વિરુદ્ધ હોવાનો ઉમેદવારોએ આક્ષેપ લગાવી ભરતી પ્રક્રીયા સામે સવાલો ઉઠાવ્યા હતા. પેનલના પાંચ સભ્યોએ એક-એક ઉમેદવારને ૨૦-૨૦માંથી ગુણ આપવાના હોય છે પણ અહી તો પેનલના સભ્યો જ ગેર હાજર રહ્યા હતા.
અરજદારોએ કરેલ પિટિશનમાં માહિતી વિભાગે પોતે જ આ પરીક્ષા લીધી તેને પણ પડકારી છે. કારણ કે આ પ્રકારની પરીક્ષાઓ લેવા માટે જ્યારે ગુજરાત પાસે જાહેર સેવા આયોગનું માળખું છે છતાં વિભાગ આ પરીક્ષા કેમ લઈ શકે ? એવા સવાલ ઉઠાવ્યા છે.
આ ઉપરાંત ઇન્ટરવ્યૂમાં જે પેનલીસ્ટ રાખવામાં આવ્યા હતા. તેની લાયકાત સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. માહિતી વિભાગ તરફથી ગુજરાત હાઇકોર્ટમાં કમલા કરવામાં આવી છે કે ઇન્ટરવ્યૂ કમિટીના મુખ્ય ચેરમેન હતા, તેઓ પોતે જ વ્યસ્તતાના કારણે ઇન્ટરવ્યૂની પ્રક્રિયામાં હાજર ન હતા. જેને લઈ આ મામલે ગુજરાત હાઇકોર્ટે માહિતી વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ મામલે હાઈકોર્ટે પૂછ્યું કે આવું કઈ રીતે ચાલે? સાથે જ ભરતી પ્રક્રિયામાં સમાન તક ના સિધ્ધાંતનો ભંગ થયો હોવાનું કોર્ટનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
આ બાબતને લઈને અમુક ઉમેદવારોએ હાઈકોર્ટની શરણ લઇ પીઆઈએલ દાખલ કરી ન્યાયની માંગણી કરી હતી. જેને લઈને કોર્ટે ભરતી પ્રક્રિયા સામે તાત્કાલિક સ્ટે આપ્યો છે. કોર્ટે ભરતી પ્રક્રિયા સંભાળતા માહિતીનો ઉધડો લઇ સવાલો કર્યા છે કે આવું કેમ ચાલે ? આગામી દિવસોમાં માહિતી ખાતાની આ ભરતી પ્રક્રિયાના ફરી થી ઈન્ટરવ્યું થશે કે કેમ ? આ બાબતનો તાગ મળશે.