જામનગર કલેકટર કચેરીના પટાંગણમાં કારમાં સાથે ઘસી આવેલા જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજાએ પોતાના પર પ્રવાહી છાંટી આત્મ વિલોપન કરવાના કરેલા પ્રયાસને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. શહેર કોંગ્રેસ પ્રમુખ કલેક્ટર કચેરી પહોંચે તે પૂર્વે કચેરી બહાર એલસીબીના બે પોલીસ કર્મચારીઓ પર કાર ચડાવી બેનને જવાનોની હત્યા નિપજાવવા પ્રયાસ કરવા સબબ તેમજ કલેકટર કચેરીમાં દિગુભાને રોકવા ગયેલા પોલીસ કર્મીઓ પર જ જ્વલંતશીલ પ્રવાહી ફેકી બળજબરી પૂર્વક ફરજમાં રુકાવટ કરવા અંગે પોલીસે ફરિયાદ નોંધી છે. કોંગ્રેસ પ્રમુખ ઉપરાંત તેની સાથે રહેલા કોંગ્રેસી કાર્યકર ને પણ આરોપી દર્શાવવામાં આવ્યા છે.
ગઈકાલે જામનગરમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વિધિવત મુલાકાતે હતા. તેઓએ કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં રાજ્યના મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક ચાલુ હતી તે દરમિયાન જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ વિરેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા જાડેજા પોતાની કાર લઇ કલેકટર કચેરી પરિસર ઘસી આવ્યા હતા અને દરવાજો ખોલી તેઓ એક જવલનશીલ પ્રવાહી ભરેલ કેન સાથે નીચે ઉતરી, સેવાસદન તરફ નીકળવા લાગ્યા હતા. દરમિયાન હાજર પોલીસ સ્ટાફને આ હરકતનો ખ્યાલ આવતા તેઓ દોડી આવ્યા હતા. જેને લઈને દિગુભાએ કેનનું ઢાંકણું ખોલી જવલનશીલ પ્રવાહી પોતાના પર અને હાજર પોલીસ કર્મીઓ પર છાંટ્યું હતું. પોલીસે રોકવાનો પ્રયત્ન કરતા દિગુભાએ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા પર જવલનશીલ પ્રવાહી છાંટતા બોલવા આજ તો મારીશ કા મરી’, જાહેર સ્થળ પર જવલનશીલ પ્રવાહી ફેંકી પોતાની કારનો દરવાજો ખુલ્લો રાખી, જો આગ લાગે તો પોતે અને કાર તથા પોલીસ કર્મીઓ પણ સળગી ઊઠે એવું જાણવા છતાં પણ દિગુભાએ પોલીસ કર્મીને મારી નાખવાના ઇરાદે કૃત્ય કર્યું હોવાનો આરોપ ફરિયાદમાં લગાવવામાં આવ્યો છે.
કલેક્ટર કચેરીના પ્રાંગણમાં આત્મ વિલોપનનો પ્રયાસ કરતા પૂર્વે પોલીસ હેડ ક્વાર્ટર ના પ્રથમ ગેટ સામે આવેલા રોડ પર પેટ્રોલિંગમાં રહેલ એલસીબીમાં ફરજ બજાવતા દોલતસિંહ જાડેજા અને ફિરોજ ભાઈ ખફીએ દિગુભાની કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો આ બંને પોલીસ કર્મીઓ પોતાનું એક્સેસ આડુ રાખી રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દિગુભા પોતાની કારનું કાવો મારીને સેવા સદન તરફ નીકળી ગયા હતા. દિગુભાએ બંને પોલીસ કર્મીઓ પર કાર ચડાવવા પ્રયત્ન કરેલ, ત્યારબાદ સેવા સદન પહોંચી પોતાના અન્ય સાથીદાર પાર્થ પટેલ સાથે કાર નીચે ઉતરી દિગુભાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.
આ સમગ્ર બનાવવા અંગે પોલીસે સીટી બી ડિવિઝનમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અને પાર્થ પટેલ સામે હત્યા પ્રયાસ ફરજમાં રૂકાવટ અને બળજબરી કરવા સબબ ફરિયાદ નોંધી બંનેની અટકાયત કરી ધરપકડ કરી છે.