જામનગર અપડેટ્સ : જામનગરના મહાજન દંપતીની બે વર્ષ પૂર્વે થયેલ હત્યા બાદ નિરાધાર બનેલ બે પુત્રીઓની વહારે આવેલ યુએઈ સરકારે બંને પુત્રીઓને ગોલ્ડન વિઝા આપી પગભર થઇ વાલીની ભૂમિકા ભજવવા સ્તુત્ય પગલું ભર્યું છે. આ ઉપરાંત બંનેના દાદા-દાદીને પણ ગોલ્ડન વિઝા આપી બન્નેના અભ્યાસની જવાબદારી સ્વીકારી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની નોકર દ્વારા જામનગરના દંપતી પર હુમલો કરી કરપીણ હત્યા કરી હતી. જેમાં બે પૈકીની એક પુત્રીને પણ ઈજા પહોચી હતી. પરંતુ તેણીની બચી ગઈ હતી.
જામનગરના વેપારી હિરેનભાઈ અઢિયા અને તેના પત્ની નિધિબેન બે દિવસ પૂર્વે તા. ૧૭/૬/૨૦૨૦ના રોજ રાત્રે તેમના ઘરે હતા ત્યારે અજાણ્યા સખ્સએ ઘરમાં ઘુસી બંનેની કરપીણ હત્યા નીપજાવી હતી. આ બનાવમાં દંપતીની પુત્રી પર પણ હત્યારાએ ધારદાર હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી હતી. જામનગરના વેપારી હિરેનભાઈ ત્રણેક વર્ષ પૂર્વે જામનગરથી વડોદરા વેપાર અર્થે સ્થાઈ થયા બાદ દુબઈ ખાતે ભાગીદારીમાં કેમિકલ કંપની સ્થાપી હતી અને ત્યાં જ પરિવાર સાથે સ્થાઈ થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ જામનગરના પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો.
દરમિયાન દુબઈ પોલીસે ગણતરીના દિવસોમાં જ પાકિસ્તાન હત્યારાની ધરપકડ કરી લીધી હતી. અગાઉ પોતાના ઘરે કામેં આવેલ એક પાકિસ્તાની સખ્સે ચોરી કરવાના ઈરાદે ઘરમાં ઘુસ્યો હતો પંરતુ દંપતી જાગી જતા હત્યારા સખ્સે હુમલો કરી છરી વડે બંનેની કરપીણ હત્યા નીપજાવી હતી. આ પાકિસ્તાની સખ્સ અગાઉ દંપતીના ઘરે નોકર તરીકે કામ કરી ગયો હોવાનું બહાર આવ્યું હતું. દુબઈ પોલીસે આરોપીને પકડી પાડી કાયદાકીય કાર્યવાહી કરી હતી.
જો કે દંપતીની હત્યા બાદ તેઓની બંને પુત્રીઓ બેસહારા બની હતી. જેને લઈને યુએઈ સરકારે તાજેતરમાં બંનેની મદદે આવી બંનેને ગોલ્ડન વિઝા આપ્યા છે. બંને પુત્રીઓ ઉપરાંત તેમનાં દાદા-દાદીને પણ ગોલ્ડન વિઝા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત યુએઈ સરકારે બંને પુત્રીઓના ઉચ્ચ અભ્યાસના ખર્ચની પણ જવાબદારી લીધી છે.