જામનગર : જામનગર સહિત રાજ્યભરમાં પીએસએસ હેઠળ કેન્દ્ર સરકારની સેન્ટ્રલ નોડલ એજન્સીઓ દ્વારા ટેકાના ભાવથી ચણા અને રાયડાની ખરીદ પ્રક્રિયા હાથ ધરી છે. છેલ્લા એક માસથી હાથ ધરવામાં આવેલ આ પ્રક્રિયા અંતર્ગત જામનગર સહિત ગુજરાતમાં ગુજકોમાસોલ દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે. રાજ્યમાંથી ૧.૩૬ લાખ મેટ્રિક ટન ચણા જથ્થાની ખરીદી માટે કેન્દ્ર સરકારની મંજુરી મળતા ટેકાના ભાવની ખરીદ પ્રક્રિયાનો ધમધમાટ શરુ થયો હતો. તા.૨૭ પૂર્વે ૪૪ હજાર ખેડૂતોનો ચણાનો જથ્થો ખરીદી લેવાયા બાદ સરકાર દ્વારા નિયમમાં પરીવર્તન કરાતા રોષ ફાટી નીકળ્યો છે. બાકી રહેતા એક લાખ ખેડૂતો પાસેથી માત્ર દોઢ હેક્ટરની મર્યાદામાં જે ખેડૂતોએ ચણાનું વાવેતર કર્યું હોય એ ખેડૂતો પાસેથી માત્ર ૩૬૦ કિગ્રા પ્રતિ હેક્ટર મુજબ અને દોઢ હેક્ટર કે તેનાથી વધારે ચણાનો વાવેતર વિસ્તાર ધરાવતા ખેડૂતો માટે મહતમ ૫૪૦ કિગ્રા જથ્થો ખરીદવાની મર્યાદા નક્કી કરતો કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નાયબ સચિવ દ્વારા પરિપત્ર બહાર પાડી હુકમ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સીસીઆઈ હેઠળની ટેકાના ભાવના કપાસ ખરીદીમાં મોટા ભાગના વેપારીઓનો કપાસ જ લેવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. જેને લઈને ખેડૂતોના હાલબેહાલ થઇ ગયા છે. જામનગર તાલુકાના બજરંગપુર ગામના ખેડૂત અગ્રણી પદુભા જાડેજાના જણાવ્યા અનુસાર માર્ચ મહિનામાં જ ચણાના રજીસ્ટ્રેશન વખતથી શરુ થયેલ ત્રાસ અંત સુધી નડ્યો છે. ખેડુતોએ 3-3 દિવસ સુધી પોતાના જરૂરી કામ મૂકીને કલાકો સુધી લાઈનમાં રહીને ચણાની ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ, હવે જયારે ખરીફ વાવણી નો ટાઈમ હોય ખેડૂતને પૈસાની જરૂર હોય ત્યારે ચણા અને કપાસ ના વેચાણ ન થયા હોય ત્યારે હવે બે મહિના પછી એવી જાહેરાત કરેલ છે કે એક ખાતે વધુમાં વધુ 125 મણ ચણાને બદલે 27 મણ ચણાની ખરીદી કરવામા આવશે. દર વખતે આવી મજાક ખેડૂતો સાથે જ કેમ? સરકાર ખરીદી ના કરે તો કંઈ નહીં પણ ખેડૂતોને જણસી નો પૂરતો ભાવ મળી જાય તો એક પણ જાતની સહાય ની જરૂર નથી. એમ ખેડૂત અગ્રણી જાડેજાએ મત દર્સાવી સરકાર પર પ્રહારો કાર્ય હતી.