જામનગર : જામનગર નજીકના બેડી બંદરે નોકરી કરતા એક કર્મચારી સાથે તેના જ મિત્રએ ચાલાકી પૂર્વક રૂપિયા નેવું હજારની છેતરપીંડી આચરી હોવાની મરીન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ફેસબુક એકાઉન્ટ ખોલી આપવાનો વિશ્વાસ અપાવી મિત્રએ મિત્રના બેંક ખાતાની ડીટેઇલ માંગી સમયાન્તરે પોતાના ખાતામાં રૂપિયા જમા કરાવી લીધા હોવાનું સામે આવ્યું છે.
જાહેર થતી છેતરપીંડીના કિસ્સામાં નજીકના સબંધિ કે સગાવ્હાલાઓ દ્વારા આચરવામાં આવે છે. ત્યારે વધુ એક કિસ્સો જામનગરથી સામે આવ્યો છે જેમાં મિત્રએ જ મિત્રનો વિશ્વાસ તોડી ચીટીંગ કર્યું હોવાનું જાહેર થયું છે. આ કીસ્સામાં બેડી પોર્ટ પર નોકરી કરતા મૂળ અમદાવાદ જીલ્લાના રણધીરસિંહ રામભા સોલંકીએ તેના મિત્ર રાજ પ્રજાપતે મિત્રતાના દાવે વિશ્વાસમા લઇ મોબાઈલમાં જ રણધીરસિંહનુ ફેશબુકનું એકાઉન્ટ બનાવી દેવાની લાલચ આપી હતી. જેમાં આરોપીએ મિત્ર પાસેથી બેંકનુ નામ અને એકાઉન્ટ નંબર પુછી લઇ, આ જ બેંકના ખાતામાં રહેલ કુલ રૂ.૯૧,૮૫૬ની રકમમાથી કટકે કટકે કુલ રૂ.૯૦,૦૦૦ પોતાના ખાતામા ટ્રાન્સફર કરી લીધા હતા. મિત્રએ જરૂર પડતા બેંક એકાઉન્ટમાં તપાસ કરતા આ સમગ્ર છેતરપિંડી સામે આવી હતી. જેને લઈને ભોગ બનેલ મિત્રએ મિત્ર સામે જ મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.