મહેમદાવાદ તાલુકાના ઇયાવા ગામના સરપંચ ને એસીબીએ રૂપિયા 25,000 ની લાંચ લેતા પકડી પાડ્યા છે. ખેડા જિલ્લાના સરપંચ એ ટીવીટી યોજનાના વિકાસ કાર્યો હેઠળ કોન્ટ્રાક્ટર પાસેથી 10% કમિશનની માંગણી કરી હતી જેને લઈને એસીબીએ ટ્રેપ ગોઠવી સરપંચને રૂપિયા 25 હજારની લાંચ લેતા દબોચી લીધા છે.
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ઇયાવા ગામના સરપંચ વિષ્ણુભાઈ મોહનભાઈ ચૌહાણ એ ટીવીટી યોજના અંતર્ગત ₹3 લાખના વિકાસ કાર્યોની ગ્રાન્ટમાંથી કામ કરાવ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા સ્મશાન ગૃહનું નવું બાંધકામ કરવામાં આવ્યું હતું. જેના માલ સામાન અને મજૂરીનું બિલ 2.91 લાખ રૂપિયા થયેલ, આ બાબતે ઇયાવા ગ્રામ પંચાયત કચેરી તરફથી કોન્ટ્રાક્ટરને ચેક આપવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયત ખાતે ભવિષ્યમાં આવનાર ગ્રાન્ટમાંથી વિકાસના કામો કોન્ટ્રાક્ટરને આપવા તેમજ ભવિષ્યના કામો બાબતે હેરાનગતિ નહીં કરવા અંગે સ્મશાન ગૃહના બનાવેલા કામમાંથી 10% લેખે રૂપિયા 30,000 આપવા પડશે એમ સરપંચે કોન્ટ્રાક્ટરને કહ્યું હતું.
જેને લઈને કોન્ટ્રાક્ટર થોડી રકજક કરતા અંતે રૂપિયા 25,000 માં સરપંચ માની ગયા હતા. પરંતુ કોન્ટ્રાકટર રૂપિયા આપવા માંગતા ન હોય, તેથી તેઓએ નડિયાદ એસીબીનો સંપર્ક કર્યો હતો જેને લઈને આજે નડિયાદ acb દ્વારા મહેમદાવાદ ખાતે મુરલીધર ટી સ્ટોલ ખાતે આજે ટ્રેપ ગોઠવવામાં આવી હતી જેમાં સરપંચ ₹25,000 ની લાંચ ઝડપાઈ ગયા હતા