જામનગર : એકાદ માસ પૂર્વે એક યુવાનને એલસીબી કચેરી લઇ જઈ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા બેફામ માર માર્યો હોવાની ખુદ યુવાને રાવ કરી છે. કારણ એટલું જ કે યુવાનને અપરણિત મહિલા પોલીસકર્મી સાથે તોડી નાખેલ સબંધ, એલસીબીમાં સતત ચાર દિવસ સુધી માનસિક યાતનાઓ અપાયા બાદ ધાક ધમકી આપી મામલતદારે પાસે પોતાને જામીન આપવામાં આવ્યા હોવાનો યુવાને આક્ષેપ લગાવી ન્યાયની માંગણી કરી છે.
શહેરના યુવાન સાથે પોલીસ ગુજારેલ કથિત દમન અંગે જીલ્લા પોલીસ વડાને ખુદ યુવાને અરજી કરી છે. જેમાં કરાયેલ આક્ષેપ મુજબ, જામનગરમાં ગત જૂલાઈ માસના અંતિમ સપ્તાહમાં અરજદાર યોગરાજસિંહ ચુડાસમાને એલસીબીના સ્ટાફે ગુરદ્વારા પાસેથી ઉઠાવી લીધો હતો. ત્યારબાદ કચેરીએ લઇ જઈ એલસીબીના ત્રણ પોલીસકર્મીઓએ મારજુડ કરી હતી.
બેડી મરીન પોલીસ દફતરમાં ફરજ બજાવતા એક મહિલા પોલીસ કર્મી સાથેના સબંધમા આવેલ ઓટને લઈને તેણીએ કરેલ અરજીના કામે એલસીબીના કર્મચારીઓએ તેની અટકાયત કરી હોવાનું પોલીસે યુવાનને કહ્યું હતું. અટકાયત બાદ જે તે મહિલા પોલીસકર્મી અને તેની સાથે એક સખ્સ પણ એલસીબીએ આવી સામે આવ્યા હોવાનો આક્ષેપ લાગવાયો છે. આ સખ્સએ સાથે મળી માર માર્યો હોવાનો પણ આક્ષેપ લગાવાયો છે. એક દિવસ નહી પણ સતત ચાર દિવસ સુધી અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તેણી સાથેના સાત માસ સુધીના સબંધો તોડી નાખતા તેણીએ અરજી કરી એલસીબી પાસે અત્યાચાર ગુજારાવ્યો હોવાનું અંતે ઉલ્લેખી યોગરાજસિંહે એસપી પાસે ન્યાયની માંગણી કરી છે. આ બનાવે પોલીસ બેડા સહિત જીલ્લાભરમાં ભારે ચકચાર જગાવી છે.