જામનગર : શહેરમાં ૧૬મી જુનના રોજ એક પટેલ પરિવાર યુવા પુત્રીના લગ્ન ગાયત્રી પરિવારની શાસ્ત્રોકતવિધિ અનુસાર મંદિર પરીસરમાં યોજવામાં આવ્યા હતા અને આ લગ્નવિધિ સંપન્ન થયા બાદ કૃષ્ણનગર, મીનાક્ષી સ્કુલ પાસે બરડાઇ બ્રાહ્મણની જ્ઞાતિની વાડી પાસે રહેતા પટેલ પરિવારના સદસ્યનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત આ જ લગ્નવિધિમાં સુરતથી આવેલા બે લોકોનો સુરત પરત ફર્યા બાદ કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
પટેલ પરિવારના આ લગ્ન સમારોહમાં હાજર વ્યક્તિઓ પૈકી ત્રણથી વધુ શખ્સોને કોરોના પોઝીટીવ અને એકનું મોત થતા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગના હોંશકોંગ ઊડી ગયા હતા. તાત્કાલીક આ પટેલ પરિવારના જે સ્થળ ઉપર લગ્ન થયા હતા તે ગાયત્રી મંદિર પર જઇ સેનેટાઇઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને લગ્નપ્રસંગે દરમિયાન કોરોના પોઝીટીવના સંપર્કમાં આવેલી વ્યક્તિઓ અંગે પુછપરછ હાથ ધરી હતી જેમાં લગ્નવિધિ કરાવનાર મહારાજને હાલ 14 દિવસ માટે કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
મંદિરના ટ્રસ્ટીઓના જણાવ્યા મુજબ મંદિર પાસે બે મહારાજની વ્યવસ્થા હોય મંદિરમાં આરતી-પુજાની વિધિ અન્ય મારાજ પુજારી પાસે કરવામાં આવી રહી છે જયારે લગ્નવિધિ કરાવનાર મહારાજને મંદિર પરિસરના પુજારી કવાર્ટરમાં ક્વોરેનટાઈન કરાયા છે. સંચાલકના જણાવ્યા અનુસાર કોરોના પોઝીટીવ દર્દીઓની હાજરી સમયના લગ્ન તારીખ 16 ના થયા હતા અને તે વાતને આજે 10 દિવસ થઇ ગયા છે મંદિરમાં કોઇ પુજારી કે સ્ટાફ ને કોરોના અંગેના લક્ષણો નથી માટે દર્શનાર્થીઓએ કે મંદિર આજુ-બાજુના રહેવાસીઓએ ચિંતા કરવાની જરૂર નથી અને સાવચેતીના ભાગરૂપે હાલ મંદિરમાં આરતી દર્શન સિવાયના અન્ય વિધિઓ બંધ રાખવામાં આવી છે.