જામનગર : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંક્રમણ તીવ્ર ગતિએ અવિરત રહેતા દરરોજ નવા દર્દીઓમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. ગ્રામ્ય સ્તરે કોરોનાનો કહેર આસમાને પહોંચતા અને આરોગ્યની મર્યાદિત સેવાઓને લઈને અનેક દર્દીઓ સારવાર માટે વલખા મારી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે જામનગરના આહીર અગ્રણી મુળુભાઈ કંડોરિયાએ સેવાની જ્યોત શરૂ કરી છે. રાજકીય ભેદભાવ છોડી મુળુભાઈએ તમામ પક્ષ અને સમાજના આગેવાનોને સાથે રાખી કોવિડ કેર સેન્ટરમાં સારવાર શરૂ કરાવી છે.
હાલ સમગ્ર હાલાર સહિત રાજ્યભરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. આરોગ્યની મર્યાદિત સેવાઓ સામે સેંકડો દર્દીઓ સારવાર વગર જીવન મરણનો અંતિમ ખેલ ખેલી રહ્યા છે. દરરોજ અનેક દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે. સામે પક્ષે સરકારની મર્યાદિત આરોગ્ય લક્ષી સેવાઓ તમામ સ્તરે પહોંચવામાં ક્યાંક ને ક્યાંક ઉણી ઉતરી છે એનું જ આ પરિણામ છે. અત્યારે રાજ્યભરમાં મેડિકલ ઇમરજન્સી ઉભી થઇ છે એ સરકાર ક્યારેય નહીં સ્વીકારે કે નહીં વહીવટી તંત્ર, ત્યારે આરોગ્યની આ સ્થિતિ સામે દરેક સમાજ આગળ આવ્યા ચગે અને જે કાંઈ વ્યવસ્થા છે એ દર્દીઓ સુધી પહોંચે એમા જોતરાઈ ગયા છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલત બહુ ખરાબ છે. આરોગ્યની સતત કથળતી હાલત ને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધારાની સવલત માટે તંત્ર કામગીરી કરે તે પૂર્વે કલ્યાણપુરના અને હાલ જામનગરમાં રહેતા મુળુભાઈ કંડોરિયાએ સ્થાનિક આગેવાનોમાં તાલુકા પંચાયતના પ્રમુખ નગાભાઈ ગાધે, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન નથુભાઈ ચાવડા, હરદાસભાઈ આંબલિયા સહિતના સામાજિક અગ્રણીઓ સાથે બેઠક યોજી પોતાના નંદાણા ખાતેના શૈક્ષણિક સંકુલને કોવિડ કેર સેન્ટરમાં તબદીલ કરવાની તૈયારી બતાવી હતી. આ માટે મુળુભાઈએ વહીવટી તંત્રને પણ વિશ્વાસમાં લઇ મંત્રણાઓ કરી હતી. ભાટીયા પાસેના નંદાણા ગામે આવેલ મયુર શૈક્ષણિક સંકુલમાં કોરોના દર્દીઓ માટે 100 બેડની વ્યવસ્થા શરૂ માટેની તૈયારીઓ પૂર્ણ થઈ, જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય વિભાગની ટિમની ફાળવણી કરવામાં આવી છે. પોતાના શૈક્ષણિક સંકુલમાં 100 બેડની વ્યવસ્થા ઉભી કરી દઈ કંડોરીયાએ ભગીરથ કાર્ય કર્યું છે.આ 100 બેડ પૈકી 10ને ઓક્સિજન બેડ તરીકેની પણ સુવિધા આપી છે. અહીંના કોવિડ સેન્ટરમાં 100 દર્દીઓની સારવાર સાથે જમવા રહેવાની તમામ સુવિધા ફ્રી આપવામાં આવી રહી છે.
આરોગ્યની કટોકટી ભરી સ્થિતિ વચ્ચે ઉત્તમ સુવિધા વિકસાવી દેવામાં આવતા દ્વારકા તેમજ કલ્યાણપુર તાલુકામાં રાહતની લાગણી પ્રસરી ગઈ છે. હાલ 100 બેડની વ્યવસ્થા છે પણ સંજોગો કદાચ વિપરીત બને તો અહીં જ
વધારાની 100 બેડની પણ વ્યવસ્થા તૈયાર રખાઈ છે એમ મુળુભાઈએ જણાવી બંને તાલુકા માંથી કોઈ દર્દી સારવાર વગર રહી ન જાય એવી લાગણી વ્યક્ત કરી છે. સાથે સાથે દર્દીઓના સગા-સબંધીઓ માટે પણ રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સેવા માટે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી.
દ્વારકા જિલ્લામાં તમામ આરોગ્ય સેન્ટરોમાં ઓક્સિજનની ખામી છે તે પુરી કરવામાં આવે એમ તંત્રને વિનંતી કરી છે. અન્ય જિલ્લાઓ અને રાજ્યોમાં જો આ સુવિધાઓ આપણે ત્યાંથી અપાતી હોય તો અહીં કેમ ઓક્સિજનની કમી છે ? એવા વેધક સવાલ પણ મુળુભાઈએ કરી ખૂટતી વ્યવસ્થા પૂર્ણ કરવાની માંગણી કરી છે.
કોરોના કાળમાં દમ તોડતા દર્દીઓ માટે કંડોરિયાએ શરૂ કરેલી સેવા આશાનું કિરણ બની રહેશે એમાં બે મત નથી, દ્વારકા જિલ્લાના અન્ય આગેવાનોએ મુળુભાઈની આ સેવામાંથી પ્રેરણા લેવી જોઈએ.