જામખંભાળિયા વિધાનસભા બેઠક ચર્ચાનું કેન્દ્ર ત્યારે બની જ્યારે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ઉમેદવાર ઈશુદાન ગઢવીએ ઉમેદવારી કરી, આ બેઠક પર ખરાખરીનો ખેલ જામ્યો છે. એક તરફ ભાજપના પીઠ અને કદાવર નેતા મૂળભાઈ બેરા છે તો સામે પક્ષે કોંગ્રેસના દિગ્ગજ અને રાજનીતિના ચાણક્ય કહી શકાય એવા વિક્રમ માડમ છે, આપ તરફથી મુખ્યમંત્રીનો ચહેરો સામે આવતા ત્રિપાખીયો જંગ જામ્યો છે, ત્યારે ગઈકાલે કોંગ્રેસના પીઢ અને કર્મઠ નેતા એવા શક્તિસિંહ ગોહિલની જાહેર સભા યોજાઇ હતી. જેમાં તેઓએ ભાજપા પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપાની આંતરિક-અહંકારી રાજનીતિ ઉઘાડી પાડી, કેશુ બાપાથી માંડી હકુભા સુધીના નેતાઓનો ભાજપે વધ કર્યો હતો એવો ખુલ્લો આક્ષેપ કર્યો હતો.
ખંભાળિયામાં યોજાયેલી જાહેર સભામાં કોંગ્રેસના સમર્થકોને સંબોધન કરતા કોંગ્રેસના સિનિયર નેતા અને રાજ્યસભાના સાંસદ એવા શક્તિસિંહ ગોહિલે ભાજપા પર આકરા પ્રહારો કર્યા હતા અને પાર્ટીને અહંકારી પાર્ટી ગણાવી હતી. ઝાડનું અસ્તિત્વ તેના મૂળમાં હોય છે પરંતુ મૂળ સાથેનો સંપર્ક જો તૂટી જાય તો ઝાડ પડી જાય છે એ જ રીતે ભાજપાને અહંકાર આવી ગયો છે અને તેનો મૂળ સાથેનો સંપર્ક તૂટી ગયો છે હવે તે તૂટી પડશે એમ તેઓએ જણાવ્યું હતું. અહંકાર સામે સોનાની નગરી વાળો રાવણ પણ તૂટી ગયો તો આ તો પાર્ટી છે !!! એમ કહી ભાજપાનો પરાજય થશે એમ તેઓએ ઉમેર્યું હતું. ગાયના નામે મત માગનારાઓ ગૌચરની જમીન ખાઈ ગયા, ખુટીયારૂપી ઉદ્યોગપતિઓને પાણીના ભાવે આ જમીન આપી દીધી, જે પક્ષ ગાયને નામે મત માગે અને ગાય માતાને ન છોડે તો જનતાને કેમ છોડે ??? એવા વેધક પ્રહાર ગોહિલે કર્યા હતા, મોંઘવારી અને બેરોજગારી તેમજ શિક્ષણની કથડેલી હાલતનો ચિતાર પણ તેઓએ રજૂ કર્યો હતો.
ગોહિલે આમ આદમી પાર્ટીના ઇશુદાનને પણ યાદ કર્યા હતા, તેઓએ જણાવ્યું હતું કે,
ઈશુદાન મારો મિત્ર છે પણ લેખે લાગે એમ ઠેકાણે મત આપવા સમર્થકોને આહવાન કર્યું હતું.
ભાજપના કર્મઠ પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાથી માંડી હાલના પૂર્વ મંત્રી હકુભા સુધીનો વધ ભાજપે કર્યો હોવાનો સણસણતો આક્ષેપ શક્તિસિંહ લગાવ્યો હતો. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે ભાજપને મજબૂત નેતા નહીં પણ આંખ બંધ કરીને કામ કરે એવો નેતા જોઈએ છીએ, રામ મંદિર બનાવવા ખરીદેલ જમીનમાં પણ ભાજપના નેતાઓની કટકી ઉઘાડી પડી છે, ભગવાનને ન છોડે તો મને-તમને કેમ છોડે ?? એમ કહી ભાજપ પર ગોહિલે આકરા પ્રહારો કર્યા હતા.
તમારો નેતા ઊંચાઈમાં ભલે નીચો છે પણ સબમરીન જેવો છે એમ અંતે જણાવી વિક્રમ માડમને જીતાડવા પણ અપીલ કરી હતી.