ભાટિયા : બેંકના કર્મચારીએ જ ગ્રાહકના ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડી લીધા, આવી રીતે કરી છેતરપીંડી

0
1549

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે આવેલ બેંક ઓફ ઇન્ડિયાની શાખાના આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા અધિકારીએ એક ખાતેદારના ખાતામાંથી રૂપિયા પાંચ લાખની ઉચાપત કરી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામેં આવેલ બેંક ઓફ ઇન્ડિયા શાખાના જ આસિસ્ટન્ટ મેનેજર રુચિર દીપકભાઈ પોપટ સામે બેંકના જ અધિકારી પીયુસ ઝાએ સ્થાનિક પોલીસ દફતરમાં છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે જેમાં કલ્યાણપુર તાલુકાના પીંડારા ગામના એક ખાતેદારના ખાતામાંથી તા.૨૯/૩/૨૦૧૬ના રોજ આરોપીએ પોતાના હોદ્દાનો દુરઉપયોગ કરી બેંક એકાઉન્ટની રસીદમાં સહીઓ કરાવી અને બીજી ડુપ્લીકેટ રસીદ બનાવી લઇ રૂપિયા પાંચ લાખ ઉપાડી લીધા હતા. આ બાબતે લાંબા સમયે જાણ થતા જ પીયુસભાઈએ ભાટિયા પોલીસમાં અરજી કરી હતી જેમાં સત્યતા સામે આવતા પોલીસે આરોપી સામે વિશ્વાસઘાત અને છેતરપીંડી સબબ ફરિયાદ નોંધી છે. ફરિયાદી મંડાભા રવાભા વાઘેરના ખાતામાંથી પાંચ લાખ રૂપિયા ઉપાડી અંગત ફાયદા માટે બેંકકર્મીએ વાપરી નાખ્યા હોવાનું સામે આવ્યું છે. આરોપી બેંક કર્મી સામે અગાઉ પણ આવી જ એક છેતરપીંડીની ફરિયાદ થઇ હોવાની અને હાલ આ પ્રકરણ હાઈકોર્ટમાં હોવાનું જાણવા મળ્યું છે.

NO COMMENTS