ભાટિયા: નિવૃત આર્મીમેનના ઘરમાં ખાતર પડ્યું, રોકડ સાથે હથિયાર પણ ઉઠાવી ગયા ચોર

0
1201

જામનગર: દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે શિવમ સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા એક્સ આર્મીમેનના મકાનને ટાર્ગેટ બનાવી કોઈ તસ્કર ૨૭ હજાર રૂપિયાની રોકડ અને પરવાનાવાળું હથિયાર ચોરી કરી ગયાની સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. એક્સ આર્મીમેન ખાખરડા ગામે આવેલ કંપનીમાં નોકરીએ ગયા બાદ પાછળથી બંધ મકાનને નિશાન બનાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ભાટિયા ગામે આવેલ શિવમ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર રામદેભાઈ કરંગીયા નામના એક્સ આર્મી મેનના મકાનમાં ગત તા. ૯ મીના રોજ રાતના સમયે ચોરી થવા પામી હતી. મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અજાણ્યા તસ્કર અંદર પ્રવેશ્ય હતા અને અંદર રહેલ કબાટ ખોલી તેમાં રાખેલ રૂપિયા ૨૭ હજારની રોકડ રકમ હાથ વગી કરી ઘરની વસ્તુઓ વેર વિખેર કરી નાખી હતી. આ ઉપરાંત રૂમની દીવાલમાં ટાંગવેલ બાર વોર વાળું હથીયાર પણ ચોર હાથવગું કરી ચોરી ગયા હતા. સવારે જયારે નરેન્દ્રભાઈ ઘરે પહોચ્યા ત્યારે ચોરી સામે આવી હતી. ત્યારબાદ ભાટિયા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો શિવમ સોસાયટી પહોચ્યો હતો. જ્યા પંચનામા બાદ એક્સ આર્મીમેને અજાણ્યા તસ્કર સામે રોકડ રકમ અને હથિયારની ચોરી કરવા સબબ ફરિયાદ નોંધાવી હતી. મૂળ જુનાગઢ જીલ્લાના ઘેડ બમણાસા ગામના નરેન્દ્રભાઈ કરંગીયા વર્ષ ૨૦૦૮માં આર્મીમાંથી નિવૃત થયા હતા અને વર્ષ ૨૦૧૪માં ભાટિયા નજીક આવેલ ખાખરડા ગામે કે પી એનર્જી કંપનીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરીએ જોડાયા હતા અને ભાટીયામાં રહેવા લાગ્યા હતા. નરેન્દ્રભાઈ જયારે આર્મીની નોકરીના અંતિમ વર્ષમાં હતા ત્યારે જમ્મુ કાશ્મીરના બારામુલા જીલ્લામાંથી બાર બોર વાળા હથિયારનો પરવાનો મેળવ્યો હતો. ત્યારે નરેન્દ્રભાઈ રૂપિયા ૩૨ હજારની કીમતનું બાર બોર વાળું હથિયાર ખરીદ કર્યું હતું. જો કે હથિયારની સાથે કાર્ટીજ નહી હોવાનું સામે આવ્યું છે. રોકડની સાથે હથિયારની ચોરી થઇ જતા પોલીસે ગુનાની ગંભીરતા ધ્યાને રાખી બાતમીદારો અને સીસીટીવી નેટવર્ક તરફ નજર દોડાવી તપાસ હાથ ધરી છે.

NO COMMENTS