જામનગર: ભાણવડ તાલુકાના ઢેબર ગામે રહેતા એક યુવાન પર પિતા પુત્રએ હુમલો કરી માર માર્યો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. બે વર્ષ પહેલા યુવાને આપેલ રૂપિયા ૧૫ હજારની ઉઘરાણી કરતા આરોપીએ ઘરે બોલાવી યુવાનની ધોલાઈ કરી નાખી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

ભાણવડ પંથકના યુ-ટ્યુબર વેજો ‘રાજ નંદાણીયા અને તેના કો-સ્ટાર જીવાનો ખુબ જ વાયરલ થયેલ વિડીઓ કે જેમાં બંનેનો સંવાદ કરે છે કે લેણદારને સંબોધી બંને સંવાદ કરે છે અને લેણદાર ગભાને સંબોધી કહે છે કે એક લાખની રકમ હવે ભૂલી જજે, ન ભૂલાય તો હપ્તે હપ્તે કરી ભૂલી જજે, બસ આવો જ બનાવ બન્યો છે ભાણવડ તાલુકાના ઢેબર ગામે, જેમાં મુરૂભાઇ દુદાભાઇ બલવા ૪૦ પર તેના પિતરાઈ ભાઈ કાનાભાઇ ખીમાભાઇ બલવા અને કાકા ખીમાભાઇ ગોવીંદભાઇ બલવાએ લાકડી વડે જમણા હાથ તથા જમણા પગ તથા વાસાના ભાગે માર મારી શરીરે મુંઢ ઇજા પહોચાડી તથા આરોપી કાનાભાઇએ કુહાડા વડે માથાના ભાગે ઘા કરી ઇજા પહોચાડી હતી. ઘાયલ યુવાને આરોપીઓને આજથી આશરે બેક વર્ષ પહેલા હાથ ઉછીના રૂ-૧૫૦૦૦ આપેલ હતા. જે રૂપીયાની જરૂરત પડતા ઘાયલ યુવાને આરોપી કાનાભાઇને ફોન કરી આપેલ હાથ ઉછીના રૂપીયાની માંગણી કરી હતી. જેને લઈને આરોપીએ તેમના ઘરે રૂપીયા લઇ જવા બોલાવ્યો હતો. યુવાન આરોપીના ઘરે જતા હોય ત્યારે આ બન્ને આરોપીઓએ રસ્તામા ઉભા રહી બોલાચાલી કરી હતી. હવે રૂપિયા ભૂલી જજે એમ કહી બંને આરોપીઓએ હુમલો કરી ઈજા પહોચાડી હતી. પોલીસે આરોપીઓ સામે ભાણવડ પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.