જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ભાણવડ ખાતે રહેતા અને અખબારી વિક્રેતા તરીકે કામ કરતા એક આસામી તેના માતાના બેંકમાં પૈસા જમા કરાવે તે પૂર્વે બેંકમાંથી જ કોઈ પીળી સાડી પહેરેલ મહિલાએ થેલીમાંથી અડધા લાખની રોકડ સેરવી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે.
ભાણવડમાં ખોજા નાકે ભગવતી શેરીમાં રહેતા અને છાપાની ફેરી કરતા મન્સુરભાઈ અલાઉદીનભાઈ બરડાય ગઈ કાલે અગ્યારેક વાગ્યે પોતાના માતા દોલતબેનના કામ ધંધાની અંગત બચતના રૂપિયા ૫૦ હજાર જમા કરાવવા ગયા હતા. તાલુકા મથકે આવેલ બેંક ઓફ ઇન્ડિયા બ્રાંચમાં ગયેલ મન્સુરભાઈ ગીર્દી હોવાથી લાઈનમાં ઉભા હતા. જો કે થોડી વારમાં વારો આવ્યો ત્યાં જોયું તો તેની પાસે રહેલ થેલી માંથી રૂપિયા ગાયબ જણાયા હતા. બેંકના સીસીટીવી ફૂટેજ ચકાસતા ખયાલ આવ્યો કે તેની પાછળ ઉભેલ પીળી સાડી પહેરેલ મહિલાએ મન્સુરભાઈની નજર ચૂકવી ચાલાકી પૂર્વક રૂપિયા કાઢી લીધા હતા. આ બનાવ અંગે ભોગગ્રસ્ત આસામીએ પીળી સાડી પહેરેલ અજાણી મહિલા સામે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.