જામનગર : ચાર દિવસ પૂર્વે બરડા ડુંગરમાં થયેલ મહિલા ફોરેસ્ટ ગાર્ડ અને તેના પતિ તથા એક રોજમદારની હત્યા પરથી આખરે પરદો ઊંચકાયો છે. પોતાની સાથે જ નોકરી કરતા આરોપી ફોરેસ્ટ ગાર્ડ સાથેના મહિલા ફોરેસ્ટ ગાર્ડના નજદીકિયા ભર્યા સબંધોમાં ખૂની ખેલ ખેલાયો હોવાનુ સામે આવ્યું છે.
જેની સામે શંકાની સોય ટાંકવામાં આવી હતી તે જ શકદાર એટલે કે, પોરબંદર ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા આરોપી લખમણ ઓડેદરાની કાયદેસરની ધરપકડ દર્શાવી વિગતો જાહેર કરી છે. જેમાં હત્યાનો ભોગ બનેલ હેતલ અને આરોપી વચ્ચેના સબંધો જ હત્યાનું કારણ બન્યા હોવાનું સામે આવ્યું છે.
આરોપી લખમણ દેવસી ઓડેદરા અને હેતલબેન બંને અગાઉ વર્ષ ૨૦૧૭ માં સાથે નોકરી કરતા હતા ત્યારે બંને નજીક આવ્યા હતા. ત્યારબાદ આરોપી લખમણ આ સબંધોને વધુ ગાઢ બનાવવાનો માંગતો હતો. જેની જાણ તેની પત્ની મંજુબેનને થઇ ગઈ હતી. જેને લઈને જે તે સમયે જ આરોપી લખમણ અને તેની પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારથી ઘર કંકાસનો શરુ થયેલ સિલસિલો લાંબો ચાલ્યો હતો. પોતાના પતિ સાથેના સબંધને લઈને આરોપીની પત્ની મંજુબેન અને મૃતક હેતલબેન વચ્ચે પણ આ બાબતે અનેક વખત બોલાચાલી થઇ હોવાની વિગતો સામે આવી છે. તાજેતરમાં વીસ દિવસ પૂર્વે બંને મહિલાઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. જે તે સમયે હેતલબેને મંજુબેનને ધાક ધમકી આપી હોવાનું પણ પોલીસમાં જાહેર થયું છે. આ વાત મંજુબેને તેના પતિ લખમણને કરી હતી જેને લઈને લખમણએ હેતલબેનની હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. દારૂની ભઠ્ઠી તોડવા જવું છે એમ કહી ફોરેસ્ટ વિભાગમાં જ ગાર્ડ તરીકે ફરજ બજાવતો લખમણ તેણીને અને તેણીની સાથે રહેલ તેના પતી અને રોજમદારને જંગલમાં લઇ ગયો હતો.
આવી રીતે કરી હત્યાઓ…
આરોપી ત્રણેયને ફોન કરી જંગલ લઇ ગયો હતો. જ્યાં આરોપી લખમણે સાથે રહેલ નાગભાઈને અન્ય સ્થળે ભઠ્ઠી શોધવા મોકલી દીધો હતો. ત્યારબાદ તે હેતલબેનના પતિ સાથે અન્ય જગ્યાએ ભઠ્ઠી શોધવા લઇ ગયો હતો. જ્યાં પાછળથી ગેડો ફટકારી પ્રથમ હેતલબેનના પતિનું ઢીમ ઢાળી દીધુ હતું ત્યારબાદ તે ફરીને નાગાભાઈ પાસે આવ્યો હતો જ્યાં તેની પર પણ પીઠ પાછળથી ગેડા વડે હુમલો કરી ઉપરાઉપરી ઘા મારી પતાવી દીધો હતો. હવે ડુંગર નીચે એકલી રહેલ હેતલબેનનો વારો હતો. જ્યાં પહોચી આરોપીએ તેણીને ડુંગર વિસ્તારમાં ઉપર આવવા કહ્યું હતું. જેથી હેતલબેન આગળ થયા હતા. આ વખતે પણ આરોપીએ પીઠ પાછળથી ઘા કરી હેતલબેનને પણ મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્રણેયની હત્યા નીપજાવી આરોપી ત્યાંથી તુરંત નીકળી ગયો હતો.
ત્યારબાદ પોલીસ તપાસમાં હેતલબેનના મોબાઈલમાં અંતિમ કોલ આરોપીનો હોવાથી પોલીસે આરોપીને દબોચી લઇ પૂછપરછ કરી હતી. જેમાં તુરંત પોપટ બની જઈ ઉપરોક્ત કબુલાત કરી હતી. આમ મહીલાએ આરોપી સાથે રાખેલા સબંધમાં પોતાનો અને પરિવારનો ભોગ લેવાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપી પોલીસ હિરાસતમાં છે.
આવી હતી ઘટના
પોરબંદર વન વિભાગમાં ફોરેસ્ટગાર્ડ તરીકે બજાવતા હેતલબેન રાઠોડ અને તેમના શિક્ષાક પતિ કીર્તિભાઈ સોલંકી તેમજ વનવિભાગ માં રોજમદાર તરીકે કામ કરતા નાગાભાઈ આગઠ સહીતના ત્રણ લોકો શનિવાર થી લાપતા બન્યા હતા અને કાટવાણા નજીકના જંગલમાંથી તેમની કાર રેઢી મળી હતી અને લાપતા બન્યાની આશંકા ને લઈ પોલીસ અને વન વિભાગ દ્વારા સતત બે દીવસથી તેમની શોધખોળ કરવામા આવી રહી હતી. તે દરમ્યાન આજે સોમવારે કાટવાણા નજીકના બરડા ડુંગર માંથી ત્રણેય નો મૃતદેહ મળી આવ્યો હતો. તિક્ષણ હથિયાર ના ઘા ઝીકીને હત્યા કરવામા આવી હોવાનુ બહાર આવ્યુ છે. મહીલા ફોરેસ્ટગાર્ડ હેતલ રાઠોડ ની લાશ પાણીના ઝરણા નજીકથી મળી આવી હતી જ્યારે તેમના પતિ અને રોજમદાર યુવાનની લાશ ત્યાથી થોડે દુર બાવળની કાટમાંથી મળી આવી હતી. આ ઘટનાની જાણ થતા જીલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સેની અને વન વિભાગના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે દોડી ગયા હતા અને ત્રણેયના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પીટલ ખાતે લાવવામા આવ્યા હતા. મહીલા ફોરેસ્ટગાર્ડ સગર્ભા હતી. તેને આઠ માસનો ગર્ભ હતો અને દસ દિવસ બાદ શ્રીમંતનું મુહુર્ત હતું.